રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં ગઈકાલે રવિવારનો રજાનો દિવસ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક દુર્ઘટનામાં ફેરવાઈ ગયો હતો. બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર આશાસ્પદ કિશોરોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. એકસાથે ચાર-ચાર બાળકોના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી મુજબ, રવિવારની રજા હોવાથી મિત્રતાના અતૂટ બંધને બંધાયેલા ચાર કિશોરો મોજ કરવાના ઈરાદે પોતપોતાની સાયકલો લઈને ઘરથી નીકળ્યા હતા. ગરમીથી રાહત મેળવવા અને રવિવારની રજા માણવા માટે તેઓ બાખલવડ નજીક આવેલા આલણ સાગર તળાવે પહોંચ્યા હતા.
કિનારે સાયકલો અને કપડાં ઉતારીને ચારેય મિત્રો પાણીમાં ઉતાર્યા હતા, પરંતુ કમનસીબે તેમને પાણીના ઊંડાણનો અંદાજ રહ્યો ન હતો. એક પછી એક ચારેય કિશોરો પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમય સુધી બાળકો ઘરે પરત ન ફરતા અને તળાવના કિનારે માત્ર સાયકલો અને કપડાં લાવારિસ હાલતમાં જોવા મળતા સ્થાનિકોને શંકા ગઈ હતી.
મૃતકોમાં રામુ ભાયા રાઠોડ (ઉંમર ૧૪ વર્ષ), કાળુ ભરત રાઠોડ (ઉંમર ૧૦ વર્ષ), રાજવીર સામત રાઠોડ (ઉંમર ૧૫ વર્ષ) અને કિશન મનસુખ રાઠોડ (ઉંમર ૧૫ વર્ષ)નો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને જસદણ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો અને તરવૈયાઓએ કલાકોની ભારે જહેમત બાદ એક પછી એક એમ ચારેય કિશોરોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસ કાફલો અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું.
બાળકોના મોતના સમાચાર મળતા જ પરિવારોમાં આક્રંદ જોવા મળ્યો હતો. હોસ્પિટલ અને ઘટનાસ્થળે વાતાવરણ એટલું ગમગીન હતું કે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા હતા.
આ આકસ્મિક દુર્ઘટનાની જાણ થતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે મૃતક બાળકોના શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખની ઘડીમાં સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ વહીવટી તંત્ર પાસેથી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
જસદણની આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ સાબિત થઈ છે. અવારનવાર રજાના દિવસોમાં બાળકો નદી, નાળા કે તળાવમાં ન્હાવા જતા હોય છે, જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે ઊંડા પાણીના સ્ત્રોત પાસે બાળકોને એકલા ન મોકલવા જોઈએ.
હાલમાં પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાર-ચાર સંતાનો ગુમાવતા રાઠોડ પરિવારમાં આજે ચૂલો પણ સળગ્યો નથી, માત્ર માતમ છવાયેલો છે.