BREAKING NEWS

ગુજરાતમાં માફિયાઓ કરતા ખાખીની ગુંડાગીરી વધી, ગુંડાઓ કરતા પોલીસ વિરૂદ્ધ ચાર ગણી વધુ ફરિયાદો

  • December 03, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે અવારવનાર સવાલો ઉઠી રહ્યા છે. હાલ કોંગ્રેસ દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈને પોલીસ પર માછલા ધોઈ રહી છે. ત્યારે પોલીસની સાખ પર દાગ લાગ્યો હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને ગુંડા-માફિયાઓ કરતા પોલીસની ચાર ગણી ફરિયાદો મળી છે. જેનાથી સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ગુજરાતની પ્રજાને ગુંડા-માફિયાઓ કરતા પોલીસ વધુ રંજાડી રહી છે? 


ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 1024 અરજી જ્યારે પોલીસ વિરૂદ્ધની 4535 ફરિયાદો મળી છે. આ આંકડાઓ પરથી તાગ મેળવી શકાય છે કે, ગુજરાતમાં ખાખીની ગુંડાગીરી વધી ગઈ છે. લોકો ગુંડા અને માફિયાઓના ત્રાસથી છૂટકારો મેળવવા માટે પોલીસ પાસે જાય છે પણ પોલીસ જ ત્રાસ આપે તો ક્યાં જવું? આ પ્રશ્ન પણ પ્રજાને સતાવી રહ્યો છે. 


ગુજરાતની દિન પ્રતિદિન પરિસ્થિતિને જોતાં અસામાજિક તત્ત્વોને જાણે મોકળું મેદાન મળ્યુ છે. સાથે સાથે રક્ષક જ ભક્ષક બન્યાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાખી સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. પોલીસ ખાખી વર્દીનો દૂરપયોગ કરી રહી છે તેવું ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે. આ કારણોસર પોલીસની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે. 


ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છે કે, વર્ષ 2017-18થી માંડીને વર્ષ 2020-21 સુધી ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 912 ફરિયાદો મળી હતી જ્યારે આ સમયગાળા દરમિયાન પોલીસ સામે 3307 ફરિયાદો મળી હતી. વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2023-24 સુધી ગુંડા-માફિયાઓ સામે 112 અરજીઓ મળી હતી જ્યારે પોલીસ વિરુદ્ધ 1228 ફરિયાદો મળી હતી. ભલે મે આઇ હેલ્પ યુના સુફિયાણી વાતો કરનાર પોલીસનો જનતા સાથેનો વ્યવહાર કેવો છે તે વાત ખુલ્લી પડી છે. 

માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ એવી ફરિયાદો આવી છે જેમાં એવો આરોપ છે કે, પોલીસ નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવી રહી છે. નિયમને નેવે મૂકી બેકસૂરની ખોટી રીતે ધરપકડ કરી રહી છે. જેલમા પણ મારપીટ  જ નહી, જાતીય સતામણી કરવામાં આવી રહી છે.  ઘણાં કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોધતી નથી. આ બધા આરોપને લઇને રાજ્ય માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદો થઇ રહી છે.  રાજ્ય માનવ અધિકાર આયોગને મહિને સરેરાશ 3 હજાર ફરિયાદો મળી રહી છે. આયોગે પણ આ મામલે ગંભીર નોધ લીધી છે. આમ, ગુજરાતમાં ભાજપના શાસનમાં ખાખી લજવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application