BREAKING NEWS

માતેલા સાંઢની જેમ ડમ્પર કાર સાથે ધડાકાભેર અથડાયું, ચાર મહિલાના ઘટનાસ્થળે જ કરૂણ મોત, કાળજુ કંપાવતો અકસ્માત

  • October 07, 2025 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આજે કાળજુ કંપાવતો એક અકસ્માત બન્યાનું સામે આવ્યું છે. આ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક પુરુષને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર મહિલાનાં મોત થયાં છે. સ્થાનિકોએ જાણ કરતાં બજાણા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.


ચારેય મહિલાના ઘટનાસ્થળે મોત

આ અકસ્માતની ઘટનામાં અલટ્રોજ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે સામે સુરેન્દ્રનગરથી માલવણ તરફ માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ડમ્પર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં સારવાર મળે એ પહેલાં જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે એકઠા થઇ ગયાં હતાં.


મંદિરે દર્શન કરવા જતી વેળાએ અકસ્માત થયો

આ તમામ લોકો પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતા મંદિરથી દર્શન કરી વણા શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં અકસ્માતનો ભોગ બનનારી ચાર મહિલામાં બે મહિલા મૂળ ડેરવાળાનાં વતની અને હાલ અમદાવાદ રહેતાં હોવાનું સામે આવ્યુ છે, જ્યારે અન્ય બે મૃતક મહિલા અમદાવાદના તેમના પાડોશી હોવાનું હાલ સામે આવ્યું છે.


અકસ્માતની ઘટનામાં મૃતક ચારેય મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી છે. હાલ મૃતક મહિલાઓનાં પરિવારજનો અમદાવાદથી લખતર આવવા માટે નીકળ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News