સાબરકાંઠાના ઈડરમાં રાત્રે ઈકો કાર, રિક્ષા અને બુલેટ વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં ભોઈવાડા વિસ્તારના એક જ ફળિયામાં રહેતાં ચાર યુવાનોના કરૂણ મોત નીપજ્યા હતા. આ દર્દનાક અકસ્માતથી ભોઈ સમાજમાં ભારે શોકનું મોજું પ્રસરી ગયું હતું.
ચારેય યુવાનો મજૂરીકામ કરી ઘરે પરત ફરતા હતા
મળતી માહિતી મુજબ, ઈડરના ભોઈવાડા વિસ્તારમાં રહેતાં મેહુલ બાબુભાઈ ભોઈ, અનિલ રમેશભાઈ ભોઈ, શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈ મજૂરીકામ પૂર્ણ કરીને રાત્રે રીક્ષામાં સવાર થઈને પોતાના ઘરે ઈડર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રેવાસ ગામ પાસે સમાજવાડી નજીક એક ઈકો કારના ચાલકે ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે આવીને રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રસ્તા પર લોહીથી ખરડાયેલી હાલતમાં આ ચારેય યુવાનો પડ્યા હતા.
ભોઈ સમાજ પર આભ ફાટ્યું
આ ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર પૈકી મેહુલ બાબુભાઈ ભોઈ અને અનિલ રમેશભાઈ ભોઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે યુવાન શૈલેષ અને રાજેશને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન શૈલેષનું ઈડર સિવિલ ખાતે મોત નિપજ્યું હતું. જ્યારે રાજેશને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. એક જ દુર્ઘટનામાં એક જ ફળિયાના ચાર યુવાનના મોત થતાં ભોઈ સમાજ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
એક બુલેટ સવાર પણ ઘાયલ થયો
આ ત્રિપલ અકસ્માતમાં ઈકો અને રીક્ષાની ટક્કર ઉપરાંત એક બુલેટ સવાર પણ ઘાયલ થયો હતો. અકસ્માતમાં ઘવાયેલો બુલેટસવાર યુવાન, જે બડોલી ગામનો રહેવાસી છે તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલ તે સારવાર બાદ પોતાના ઘરે પરત ફર્યો હતો. અકસ્માતની જાણ થતાં જ રેવાસ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ઈડર પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાલ ઈકો કારના ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ યુવાનોના મોતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.