બગદાણાના યુવાન પર હુમલા વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે બગદાણા ધામની બહાર જ કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ચારેય યુવાન અચાનક બગદાણા ધામની બહાર ધસી આવ્યા હતા અને પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. બાદમાં દિવાસળી ચાંપે એ પહેલા જ પોલીસે ચારેયને પકડી લીધા હતા અને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવાનો જય કોળી સમાજના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. તેમજ નવનીતભાઈને ન્યાય આપોના પણ નારા લગાવતા નજરે પડી રહ્યા છે. આ ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કોળી સમાજમાં ભારે રોષમળતી માહિતી મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ચાર યુવાનો એકાએક એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ યુવાનો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતાં. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી હતી અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બગદાણા પોલીસ છાવણીમાં ફેરવાયું
આ યુવકો બગદાણા ધામ ગેઇટ બહાર "નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો" ના નારા લગાવ્યા હતા. કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણીને પગલે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં બગદાણામાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ એક જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે. જેને લઈને કોળી સમાજના નેતાઓ પણ નવનીત બાલધિયાના સમર્થનમાં આવ્યા હતા અને ગાંધીનગરમાં સીએમ સાથે મુલાકાત કરી હતી. બાદમાં રાજ્ય સરકારે આ કેસને લઈ સીટની રચના કરી હતી.