દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન રાજ્યભરમાં હર્ષોલ્લાસ અને ઉત્સવનો માહોલ હતો, ત્યારે સુરત, અમરેલી અને ભાવનગરમાં બનેલી હત્યા અને હિંસાની ઘટનાઓએ તહેવારના રંગમાં ભંગ પાડ્યો છે. દિવાળીની રાત્રે જૂની અદાવત અને સામાન્ય બાબતોમાં થયેલી તકરારના કારણે ત્રણ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે આ વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
સુરતના ભટારમાં 18 વર્ષના યુવકની હત્યા
સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીની રાત્રે બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે (ઉર્ફે સન્ની) પર અસામાજિક તત્વોએ પાછળથી જીવલેણ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ જૂની અદાવતના કારણે 6 થી 7 અસામાજિક તત્વોએ એકસંપ થઈને સન્નીની છાતીમાં તીક્ષ્ણ હથિયારના 5 ઊંડા ઘા ઝીંકી દીધા હતા. મૃતક સાથે કલરકામ કરતા તેના મિત્ર ધર્મેન્દ્રના જણાવ્યા મુજબ, શાહિદ અને તેના સાગરીતો વિસ્તારમાં દારૂ તથા ગાંજાનો ગેરકાયદે ધંધો કરે છે અને અગાઉની જૂની દુશ્મનીને કારણે અવારનવાર સન્નીને મારવાની ફિરાકમાં રહેતા હતા. ઘટના બનતા જ ગંભીર રીતે ઘવાયેલા સન્નીને તેના મિત્રો રિક્ષા મારફતે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, છાતીમાં ઊંડા ઘા વાગ્યા હોવાથી ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો આર્થિક આધારસ્તંભ એવા 18 વર્ષીય યુવાન પુત્રના અચાનક અવસાનથી પરિજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ સમગ્ર ઘટના આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિકોની માહિતી મુજબ ઘટનાસ્થળે લાઈવ કેમેરા કાર્યરત હોવાથી હુમલાખોરોની ઓળખ મેળવવી સરળ બનશે. હાલ ખટોદરા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરીને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલીમાં 40 વર્ષીય યુવકની હત્યા
અમરેલી જિલ્લાના ખાંભા શહેરના ભગતવી પરા વિસ્તારમાં દિવાળીની રાત્રે અગાઉના ટ્રકના ભાડા બાબતના મનદુઃખને લઈ એક જ જ્ઞાતિના બે જૂથ સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીમાંથી મામલો બિચકતાં બંને પક્ષ તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. તીક્ષ્ણ હથિયારો વડે થયેલા આ હિંસક હુમલામાં 40 વર્ષીય સુલતાન દાઉદભાઈ સોલંકીને છરીના ગંભીર ઘા વાગતાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેથી બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મૃતકના શવને પોર્ટમોર્ટમ માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ જૂથ અથડામણમાં 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં નયુમ આરીફભાઈ ચૌહાણ, અશરફ દાઉદભાઈ સોલંકી, ભીખુ અલીભાઈ ચૌહાણ, સલીમ દાઉદભાઈ સોલંકી, અરબાઝ ભીખુભાઇ સોલંકી અને રુપેદાબેન આરીફભાઇ ચૌહાણ (મહિલા) નો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ ઉપચાર અર્થે ખાંભા અને અમરેલીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતાં જ ખાંભા પોલીસકાફલો મોડી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મારામારી ચાલુ હતી તે દરમિયાન જ પોલીસે સમયસૂચકતા દાખવી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને નાસભાગ વચ્ચે વધુ ઘર્ષણ થતું અટકાવ્યું હતું. હાલ ખાંભા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યા
ખટોદરા બાદ લિંબાયતના વૃંદાવન નગર-2 સોસાયટીમાં પણ મોડીરાત્રે આશરે 10:30 વાગ્યે સોસાયટીની ગલીમાંથી નીકળતી વખતે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરારમાં 24 વર્ષીય વિકાસ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં સ્થાનિક રહિશ નિલેશ અને પંકજ નામના 2 શખસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી છે.
ભાવનગરમાં 25 વર્ષીય યુવકને રહેંસી નખાયો
ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા પોપટનગરમાં રહેતો 25 વર્ષીય શ્રમજીવી યુવાન રોહિત ઉર્ફે બટુ બુધાભાઇ બારૈયા ગત મોડીરાત્રે ઘરથી ભોજન લેવા નીકળ્યો હતો. આ દરમિયાન જૂની અદાવત રાખીને બે શખસે તેનો પીછો કરી રસ્તામાં આંતરીને છરી અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. બનાવ સમયે રોહિતને બચાવવા માટે વચ્ચે પડેલા તેના પિતા બુધાભાઇ પર પણ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બંનેને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રોહિતનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતાની હાલત હજુ પણ ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવાર વચ્ચે બનેલી આ હત્યાની ઘટનાથી સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
દિવાળી જેવા પવિત્ર અને ખુશીના તહેવાર પર બનેલી આ હિંસક ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે. જૂની અદાવત અને નાની નાની વાતોમાં થતી તકરાર જ્યારે હત્યા અને હિંસામાં પરિણમે છે, ત્યારે તે તહેવારના ઉલ્લાસને શોકમાં ફેરવી નાખે છે. પોલીસ દ્વારા આ ઘટનાઓની ગંભીરતાથી તપાસ કરી, ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોને અટકાવી શકાય અને સમાજમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ બની રહે.