BREAKING NEWS

ચોર પે મોર: ૧૦ હજાર કમિશનની લાલચમાં એકાઉન્ટ ભાડે આપ્યું પણ મળ્યા માત્ર પાંચ હજાર: એકાઉન્ટ ભાડે આપનાર શખસ સાથે પણ છેતરપિંડી

  • February 04, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપનાર શખસ સાથે ફ્રોડ થયાનો કિસ્સો સામે આવ્યો છે. રૂ.૧૦ હજારના કમિશનની લાલચમાં એકાઉન્ટ ભાડે આપ્યા બાદ શખસને માત્ર રૂ.૫ હજાર જ ચૂકવવામાં આવ્યા હતાં. સાયબર ક્રાઇમ પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી એકાઉન્ટ ભાડે આપનારને ઝડપી લઇ મુખ્ય સૂત્રાધારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુધિરકુમાર સુતરીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અસીતકુમાર જીવનલાલ ત્રિવેદી (રહે.શિવશક્તિ કોલોની ઇસ્કોન મંદિર પાછળ રાજકોટ), અમૃત અશોક રાવલ (રહે. રાજકોટ) ના નામ આપી જણાવ્યું હતું કે, તેઓની ફરજમાં સાયબર ક્રાઈમના ગુના બનતા અટકાવવા, સાયબર ફ્રોડથી મેળવેલ નાણાના ટ્રાન્જેકશન બાબતે તપાસ કરી ટ્રાન્જેકશન બાબતની વિગત ધ્યાનમાં આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવાની છે.


ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી આવેલ ઈ મેઈલના આધારે બેંક એકાઉન્ટ, એ.ટી.એમ. તથા ચેકની માહિતીના આધારે કાર્યવાહી અર્થે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ જેમા કેનેરા બેંકના એકાઉન્ટ ધારક આસિતકુમાર જીવણલાલ ત્રિવેદીના બેંક ખાતામાં અલગ અલગ રાજ્યમાંથી થયેલ એનસીઆરપી અરજીની વિગતો ચકાસતા રૂ.૨.૫૦ લાખ ટ્રાન્સફર થયેલ હતાં.


જેથી બેંક ખાતા ધારક અસીતિકુમાર ત્રિવેદીની પુછપરછ કરતા જણાવેલ કે, તેણે પોતાના એકાઉન્ટની વિગત મિત્ર અમૃત રાવલને આપી હતી. તેને જણાવેલ કે, મારે ફ્રોડનુ પેમેન્ટ રૂ.૨.૫૦ લાખ આવશે તે મને ઉપાડીને આપજો, જે બદલામાં તમને ૧૦ હજાર રૂપીયા આપીશ, જેથી આરોપી અસીતે સહમતી આપતા તેના બેંક એકાઉન્ટમાં રૂ.૨.૫૦ લાખ જમા થયેલ જે ચેકથી ઉપાડી અમૃત રાવલને આપતાં તેના બદલામાં ૧૦ હજાર રૂપીયા આપવાની વાત થયેલ પરંતુ તેના બદલે ૫ હજાર રૂપીયા જ આપ્યા હતાં. પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા અને તેણે કોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application