BREAKING NEWS

ગોંડલના વેપારી અને તેના મિત્રો સાથે ધંધામાં રોકાણના નામે રૂપિયા ૬૦ લાખની છેતરપિંડી

  • December 10, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલમાં ભોજરાજપરામાં રહેતા શખસે બનાસકાંઠાના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલમાં રહેતા વેપારી સાથે પારિવારિક સંબંધો કેળવી ધંધામાં રોકાણ પર મોટા નફાની લાલચ આપી તેમની પાસે લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં તેમના મિત્રો અને અન્ય વ્યક્તિઓ પાસે પણ રોકાણ કરાવી શરૂઆતમાં વળતર આપ્યા બાદ મૂડી અને વળતર બંને ન આપી અંદાજિત રૂપિયા દોઢ કરોડની છેતરપિંડી કરી હતી. જે મામલે વેપારી દ્વારા રૂપિયા 60 લાખની છેતરપિંડી અંગે આ શખસ તથા તેની પત્ની અને માતા વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં નવા માર્કેટિંગ યાર્ડ પાછળ જીત રેસીડેન્સી ગુરુકૃપા સોસાયટી બ્લોક નંબર ઇ- 22 માં રહેતા મૂળ અંબાજી તા. દાતા જી. બનાસકાંઠાના વતની અજય સંજયગીરી ગૌસ્વામી (ઉ.વ. 31) નામના વેપારીએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ભોજરાજપરા અંબિકાનગરમાં રહેતા કરણ રાજેન્દ્રભાઈ બાલચંદાણી તેની પત્ની વિનસબેન અને તેની માતા પદ્માબેનના નામ આપ્યા છે.


વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બારેક વર્ષથી અહીં ગોંડલમાં રહે છે અને ગુંદાળા ચોકડી પાસે અંબાજી મંદિર નામની દુકાન ભાડે રાખી આ આરસના મંદિર બનાવી વેચવાનું કામ કરે છે. બે વર્ષ પૂર્વે કરણ બાલચંદાણી ફરિયાદીના ગુંદાળા રોડ પર આવેલા માર્બલના ડેલા ખાતે આવતા સંપર્કમાં આવ્યા હતા. બાદમાં કરણ અને તેના પરિવારે ફરિયાદીના પરિવાર સાથે પારિવારિક સંબંધો કેળવી વાતો વાતોમાં માહિતી મેળવી લીધી હતી કે ફરિયાદીના પિતા જે અવસાન પામ્યા હોય તેમની મરણ મૂડી રૂપિયા 39 લાખ રોકડ ઘરમાં પડી છે. બાદમાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ નવ મહિના પૂર્વે ધંધામાં રોકાણ માટે કહેતા ફરિયાદીએ તેને રૂપિયા 9 લાખ આપી ગોંડલના વછેરના વાડામાં એક એ.મેન્સ એસેસરીઝ નામની દુકાન કરી આપી હતી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે, ધંધામાં ખૂબ જ મોટો નફો છે જો તમે તમારી પાસે રહેલા રોકડા રૂપિયાનું ધંધામાં માત્ર રોકાણ કરશો તો હું તમને સાઇલેન્ટ ભાગીદારી આપીશ, તમારે શો રૂમ ખાતે આવવાની કે બીજી કોઈ મથામણ કરવાની જરૂર નથી તમે માત્ર સાઇલન્ટ પાર્ટનર તરીકે રોકાણ કરો અને તમારા રૂપિયામાંથી જે નફો થશે તે આપણે યોગ્ય હિસ્સામાં વહેચી લઇશું, મહેનત મારી રોકાણ તમારું આવી વાતો કરી ફરિયાદીને વિશ્વાસમાં લેતા ફરિયાદીએ ધંધામાં રૂપિયા 20 લાખનું રોકાણ કર્યું હતું. જેના બદલામાં તેણે રૂ. 3,00,000 નફો આપ્યો હતો.


ટ્રેક ટીશર્ટના ધંધામાં રોકાણ પર સારૂ વળતર મળવાની લાલચ આપી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 39 લાખનું રોકાણ કરાવ્યું હતું તેમજ ફરિયાદીના મિત્ર કાર્તિકભાઈ બટુકભાઈ સાવલિયા અને કિશન રામજીભાઈ લુણાગરીયાએ મળી રૂ. 20 લાખનું રોકાણ કર્યું હતું તેમજ ફરિયાદીએ તેના બીજા મિત્રો ધર્મેન્દ્ર જાટ પાસેથી રૂપિયા પાંચ લાખ તથા નિલેશ જેતાણી પાસેથી રૂપિયા 8 લાખ અને અસ્પાક મેમણ પાસેથી રૂ. 8 લાખ લઈ ધંધામાં રોકાણ કર્યું હતું આમ તેણે મિત્રો પાસેથી કુલ રૂપિયા 21 લાખ ઉછીના લઈ ધંધામાં રોકાણ કર્યું હતું.


બાદમાં આશરે ત્રણેક મહિના પૂર્વે કરણ ફરિયાદીના ડેલી આવ્યો હતો અને હિસાબ સમજાવવા લાગ્યો હતો. દરમિયાન ફરિયાદીના મિત્ર નયન પરી ગોસ્વામી હાજર હોય તેની હાજરીમાં કરણ કહ્યું હતું કે તમારું આજદિન સુધીનું ધંધામાં કુલ રોકાણ રૂપિયા 60 લાખ છે હવે નજીકમાં દિવાળી અને વેકેશન આવી રહ્યું છે મારે માલ ખરીદવો છે તો તમારા રૂપિયાની ખાસ જરૂર છે. હું દિવાળી પછી તમને એક સાથે નફો આપી દઈશ તેવું કહ્યું હતું.


બાદમાં ફરિયાદીએ તથા તેના મિત્રોએ આ કરણને કહ્યું હતું કે અમારા રોકાણ બાબતે તમે એક ભાગીદારી કરાર પાર્ટનરશીપ ડીટ લેખિતમાં કરી આપો પરંતુ તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને બાદમાં તેણે પૈસા કે રોકાણ કરેલ રકમ પર નફો આપવાનું બંધ કરી દીધું હતું અને તે પૈસા આપી દેવાની ખાતરી આપતો હોય જેથી જે તે સમયે ફરિયાદ કરી ન હતી. પરંતુ અંતે વેપારી તથા તેના મિત્રોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં રૂપિયા 60 લાખની છેતરપિંડી કર્યા અંગે કરણ બાલચંદાણી અને તેની મદદગારી કરનાર તેની પત્ની વિનસ તથા માતા પદ્માબેન સહિત ત્રણે વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application