મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન તા.૩૦ ૯.૨૦૧૮નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તક અને લોકાર્પણ તા.૧.૧૦.૨૦૧૮ના રોજ કરાયું હતું. આજ સુધીમાં ૨૬૫૩ વિદેશી મુલાકાતીઓ, ૧,૦૭,૮૬૧ બાળકો સહીત ૩,૭૫,૨૪૨ મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે.
આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ રૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે ૭ વાગ્યે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે.
દર વર્ષે ૨૬ મી જાન્યુઆરી, ૩૦મી જાન્યુઆરી, ૧૫મી ઓગસ્ટ અને ૨જી ઓક્ટોબર નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે નિ:શુલક પ્રવેશ અપાય છે. આ અંગેની તમામ જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી કરાઇ છે.