શહેર પોલીસ દ્વારા રવિવારે રાત્રીના મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું. જેના કલાકોના અંતરમાં જ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી હતી. શહેરના રૂખડિયા કોલોની વાયરલેસ ઓફિસની બાજુમાં રહેતા 23 વર્ષીય કોળી યુવાનને તેના મિત્રો ઘરેથી ચા પીવા માટે જવાનું કહી લઈ ગયા બાદ યુવાનને ધોકા-પાઇપ વડે બેફામ માર મારી ફેંકી ગયા હતા. બાદમાં યુવકને હોસ્પિટલ ખસેડ્યા હતા તેનું મોત થયું હતું. યુવાન આરોપીની બહેનને સોશિયલ મીડિયા મારફત મેસેજ કરતો હોય જે બાબતની અદાવત સબબ તેના પર જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બનાવા અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તેને સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે સાંજના સમયે રૂખડીયાપરા કોલોની વાયરલેસ ઓફિસની બાજુમાં ચામુંડા પાન નામની દુકાનની બાજુમાં રહેતા ઉમંગ રણજીતભાઈ જાખેલીયા (ઉ.વ.23) નામના યુવાનને તેના કૌટુંબિક ભાઈ વિજય જે રૂખડીયાપરામાં રહે છે તેની દુકાન પાસે ઉમંગના મિત્રો તેને ઈજાગ્રસ્ત હાલતમાં ફેંકીને નાસી ગયા હતા. બાદમાં યુવાનને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાતા તેનું ટૂંકી સારવાર બાદ મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.ડી. મકવાણા સહિતનો સ્ટાફ તાકીદે હોસ્પિટલે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મૃતકના પિતા રણજીત પુનાભાઈ જાખેલિયા (ઉ.વ.48) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૂખડીયાપરામાં જ રહેતા નાઝીર ઉર્ફે ઘેટી નગામણા(ઉ.વ૨૨ રહે. રૂખડીયાપરા), ગુલામહુશેન ઉર્ફે આસિફ આસિફ ઓસમાણભાઇકકલ(ઉ.વ. ૨૩ રહે. રૂખડીયાપરા), સુજલ કાળુભાઇ રામાવત(ઉ.વ.૨૨ રહે. નરસંગપરા જૂની કલેકટર કચેરી પાસે) અને અજાણ્યા શખસનું નામ આપ્યું છે રણજીતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કલરકામની મજૂરી કરે છે તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રીઓ છે જેમાં ઉમંગ વચેટ હતો અને તે પણ કલરકામ કરતો હતો.
ગઈકાલે સવારના 8:30 વાગ્યે રણજીતભાઈ કલરકામ માટે નીકળ્યા હતા પરંતુ તેમના પુત્ર ઉમંગ અને વિકાસ કામ પર આવ્યા ન હતા. બપોરના અઢી વાગ્યા આસપાસ ફરિયાદીને તેમના પત્ની ભાનુબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા લતામાં રહેતો નાજીર ઉર્ફે ઘેટી જુસબભાઇ નગામણા(ઉ.વ. ૨૨ રહે. રૂખડીયાપરા)ઘરે આવ્યો હતો અને મને કહ્યું હતું કે, ઉમંગને ચા પીવા લઈ જવો છે જેથી મેં કહ્યું હતું કે તમે કોણ કોણ ચા પીવા જાવ છો તો નાજીરે કહ્યું હતું કે, હું આસિફ, સુજલ અને મારો અન્ય એક મિત્ર ચા પીવા જવાના છીએ તેમ વાત કરી હતી. બાદમાં નાઝીર ઉમંગને સાથે લઈ ગયો હતો જેથી ફરિયાદીએ તેના અન્ય પુત્ર વિકાસને ફોન કરી કહ્યું હતું કે નાઝીર ઉમંગને ક્યાં લઈ ગયો છે? તેની તપાસ કર થોડીવારમાં વિકાસનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, નાઝીર ઉમંગને ભગવતીપરા મેઇન રોડ ઉપર દેવકીનંદન ચા ની હોટલે લઈ ગયો છે.
દરમિયાન સાંજના પાંચેક વાગ્યે ફરિયાદીને તેના મોટાભાઈ જગદીશના પુત્ર વિજયનો ફોન આવ્યો હતો જે રૂખડીયાપરામાં જ રહે છે અને તેણે કહ્યું હતું કે, આપણા લતામાં રહેતો આશિફ તથા અજાણ્યો શખસ બંને ઉમંગને મારી દુકાન પાસે ફેંકીને એક્સેસમાં જતા રહ્યા છે અને ઉમંગ બેબાન હાલતમાં છે બાદમાં ઉમંગને બેભાન હાલતમાં સારવાર માટે 108 મારફત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને આખા શરીરને માર મારવાથી લોહી ઉપસી ગયેલ હોય લાલ કાળા ચાંભા પડી ગયેલા જોવા મળ્યા હતા. સારવાર દરમિયાન સાંજના સાતેક વાગ્યા આસપાસ ઉમંગને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો જેથી આ અંગે મૃતકના પિતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યા સહિતની ગુનો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આરોપી નાઝીરની બહેનને ઉમંગ ઇન્સ્ટાગ્રામ મારફત મેસેજ કરતો હોય તે વાતની જાણ નાઝીરને થઈ જતા તે ગુસ્સે ભરાયો હતો અને બાદમાં ચા પીવાના બહાને ઉમંગને ઘરેથી લઈ જઈ જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશન પાસે તેને ધોકા અને પાઇપ વડે બેફામ માર મારી અર્ધ બેભાન હાલતમાં ઘર પાસે ફેંકી ગયા હતા. ગંભીર ઇજા થવા સબબ યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવને લઇ પ્ર.નગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તપાસ હાથ ધરી ચારેય આરોપીઓને સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
બે વખત ના કહી છતા મેસેજ કરતા ચાના બહાને લઇ જઇ પતાવી દીધો
હત્યાના આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી એવી વિગત જાણવા મળી હતી કે, આરોપી નાજીરને બહેનને મૃતક ઉમંગ સોશિયલ મીડિયા મારફત મેસેજ કરતો હોય જેની જાણ તેને થતા તેણે ઉમંગને ઠપકો આપ્યો હતો અને હવે ફરી મેસેજ ન કરવા કહ્યું હતું. દરમિયાન ઉમંગે ફરી મેસેજ કરતા ચાના બહાને લઇ જઇ તેને ઢોર મારમારી પતાવી દીધો હતો.
યુવાનને સતત એક કલાક સુધી ઢોર મારમાર્યો
પોલીસે જણાવ્યું હતું કે, ચાના બહાને યુવાનને રૂખડીયાપરામાંથી લઇ ગયા બાદ આરોપીઓ ઉમંગને જૂના મોરબી રોડ સિટી સ્ટેશન પાસેની અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતાં. જયાં નાજીર અને સુજલે યુવાનને સતત એક કલાક સુધી ધોકા- પાઇપ વડે ઢોર મારમાર્યો હતો. બાદમાં યુવાન અર્ધબેભાન થઇ જતા તેને રૂખડીયાપરા પાસે ફેંકી નાસી ગયા હતાં.