જાન્યુઆરી મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સામાન્ય બજેટ સાથે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થશે. નવો મહિનો દેશમાં ઘણા ફેરફારો લઈને આવશે. આ ફેરફારની અસર 'દરેક ઘર, દરેક ખિસ્સા' પર જોવા મળશે. એલપીજી સિલિન્ડરના ઉપરાંત પાન-મસાલા અને સિગારેટના ભાવ વધશે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પણ એલપીજીના નવા ભાવ પણ જારી કરવામાં આવશે. બજેટના દિવસે જારી થનારા આ ભાવ પર દેશની નજર રહેશે અને લોકો આશા રાખી રહ્યા છે કે આ વખતે 14 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થઈ શકે છે. 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘણા સમયથી બદલાઈ રહ્યા છે અને ગત 1 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાના ઘટાડા સાથે 1804 રૂપિયા થઈ ગયા હતા.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ સુધારેલા એર ટર્બાઈન ઈંધણના ભાવ પણ જારી કરશે. એટીએફ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં કોઈપણ ફેરફાર હવાઈ મુસાફરીના ખર્ચમાં ઉતાર-ચઢાવ કરનારો સાબિત થાય છે. ગત મહિનાની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં એટીએફના ભાવમાં લગભગ 7 ટકા ઘટાડો થયો હતો. આ ઉપરાંત સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.
રિપોર્ટ પ્રમાણે દેશમાં 1 ફેબ્રુઆરી, 2026થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર વધુ વધુ ટેક્સ લાદવામાં આવશે. સરકારે જીએસટી કમ્પેન્સેશન સેસના સ્થાને નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ નોટિફાઈડ કર્યો છે. તાજેતરની નોટિફિકેશન પ્રમાણે તમાકુ અને પાન-મસાલા પર નવો ટેક્સ લાગુ જીએસટી દરો ઉપરાંત લગાવવામાં આવશે. જીએતી ઉપરાંત, પાન મસાલા પર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ લાદવામાં આવશે, જેનાથી તેની કિંમતોમાં વધારો થશે.
1 ફેબ્રુઆરી, 2026થી ફાસ્ટેગ યૂઝર્સ માટે પણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. વાસ્તવમાં એનએચએઆઈએ 1 ફેબ્રુઆરીથી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરવા માટે કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ બંધ કરી દીધી છે. આ એક મોટી રાહત માનવામાં આવી રહી છે, જે નવા મહિનાના પહેલા જ દિવસથી જ મળશે.