BREAKING NEWS

જામનગર : ખોડીયાર કોલોની બ્યુટીફીકેશન પાછળ ખર્ચાયેલા ૩ કરોડ કોની પાસેથી વસૂલાશે..?

  • January 21, 2026 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
જામનગરમાં ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધી હયાત ફોર ટ્રેકને આસ્ફાલ્ટ સીકસલેન રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે ખોડીયાર કોલોની માર્ગ પર એકબાજુ કરવામાં આવેલું બ્યુટીફીકેશન તોડવું એટલે કે દૂર કરવું પડશે. ત્યારે આ બ્યુટીફીકશેન પાછળ ખર્ચાયેલા અંદાજે રૂ.૩ કરોડ કોની પાસેથી વસૂલાશે તેનો જવાબ જામનગરવાસીઓ માંગી રહ્યા છે. જામ્યુકોના પ્રજાના નાણાંનું આંધણ કરતા બાહોશ સતાધીશો અને અયોગ્ય નિર્ણય હોવા છતાં હાજી હાજી કરનારા અધિકારીઓએ શહેરીજનોના વિરોધને અવગણી ખોડીયાર કોલોનીની એક બાજુ બ્યુટીફીકેશન પાછળ કરોડોનો ખર્ચ કરી નાખ્યો હતો.


અમુક રાજકીય આગેવાનોના અહમને સંતોષવા પહોળો માર્ગ સાંકડો બનાવ્યાની ચર્ચા પણ જે તે સમયે જોરશોરથી ઉઠી હતી. ત્યારે તે સમયે માર્ગ પહોળો રાખ્યોે હોત તો આજે સીકસ લેન પાછળ રૂ.૧૫ કરોડના ખર્ચની જરૂર પડત? તે અણીયારો સવાલ ૫ણ શહેરીજનોમાં ઉઠ્યો છે. જયારે બ્યુટીફીકેશન કરાયું ત્યારે પણ વ્યાપક વિરોધ ઉઠ્યો હતો જેની અવગણના કરી કરોડોનું આંધણ કરાયું હતું. 



જામનગરમાં બ્યુટીકીશેનના નામે કરોડોનો ખર્ચ મહાનગરપાલીકા દ્રારા કરવામાં આવ્યો છે અને આવી રહ્યો છે. આમ છતાં શહેર હજુ પણ મોટાભાગે કદરૂપું જોવા મળી રહ્યું છે. કારણ કે, બ્યુટીફીકેશનની અણધડ કામગીરી અને જાળવણીનો અભાવ મુખ્ય કારણ છે. આવા જ એક બ્યુટીફીકેશનનો દાખલો છે, ખોડીયાર કોલોની માર્ગની એક બાજુની આશરે દસેક વર્ષ પૂર્વ કરવામાં આવેલી કામગીરી. કારણ કે, જે તે સમયે આ વિસ્તાર વિકસીત હોય આ માર્ગ પર સતત ટ્રાફીક રહેતો હતો. આટલું જ નહીં જે તે સમયે ફોર લેન આ માર્ગ પર એક બાજુ બ્યુટીફીકેશન કરવાનું ભૂત મહાનગરપાલીકાના સતાધીશોને સવાર થયું હતું. જો કે, તેની પાછળ અમુક રાજકીય આગેવાનોનો પણ સીધો દોરી સંચાર હોવાની જે-તે સમયે ચોમેર ચર્ચા રહી હતી. આથી આ  ફોર લેન માર્ગ પર એક બાજુ બ્યુટીફીકેશન કરી સાંકડો બનાવી દેવામાં આવ્યો હતો. 


નવાઇની વાત તો એ છે કે, મનપાના અધિકારીઓને પણ આ માર્ગ પર બ્યુટીફીકેશન કરવાથી ભવિષ્યમાં શું મુશ્કેલીઓ થશે અને શહેરીજનોને શું હાલાકી પડશે તે જાણતા હોવા છતાં હાજી હાજી કરી બ્યુટીફીકેશનની કામગીરી કરી હતી. જેની સામે જે તે સમયે ડેપ્યુટી મેયર રહેલા કરશન કરમૂર અને શહેરીજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આમ છતાં આ બ્યુટીફીકેશન પાછળ અધધ..રૂ.૩ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં માર્ગની એકબાજુ લાઇટીંગ, આસ્ફાલ્ટ રોડ, ફૂટપાથ, પાર્કીંગ, સ્ટ્રીટ ફર્નીચર, ગાર્ડનીંગ સહીતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. પરંતુ તેની જાળવણી મનપાના જવાબદારો દ્રારા કરવામાં ન આવતા આ સ્થળે દબાણ સહીતની સમસ્યાનો રાફડો ફાટયો છે. ત્યારે હવે આ માર્ગને રૂ.૧૫ કરોડના ખર્ચે આસ્ફાલ્ટ સીકસલેન બનાવવાનો નિર્ણય મનપાની સ્ટેન્ડીંગ કમીટી દ્રારા લેવાયો છે.

​​​​​​​


 આથી તમામ બ્યુટીફીકેશન તોડવું પડશે એટલે કે દૂર કરવું પડશે તેમાં બેમત નથી. ત્યારે જે-તે સમયે પ્રજાના કરવેરા‚પી નાણાંમાંથી ખોડીયાર કોલોની માર્ગની એકબાજુ કરાયેલા બ્યુટીફીકેશન પાછળ કરવામાં આવેલો અંદાજે રૂ.૩ કરોડના ખર્ચની વસૂલાત કોની પાસેથી કરાશે તેનો જવાબ શહેરીજનો માંગી રહયા છે. આટલું જ નહી બ્યુટીફીકેશન પાછળ કરોડોનું આંધણ કરી ફોર લેન માર્ગને સાંકડો કરવામાં આવ્યો હતો. ત્યારે જો આ માર્ગ પર બ્યુટીફીકેશન ન કરવામાં આવ્યું હોત તો અત્યારે સીકસલેન રોડ બનાવવા રૂ.૧૫ કરોડનો ખર્ચ કરવાની જરૂર પડત? તે અણીયારો સવાલ પણ ઉઠયો છે. ત્યારે ખોડીયાર કોલોની માર્ગ પર અણધડ રીતે એકબાજુ બ્યુટીફીકેશન પાછળ કરવામાં આવેલો અંદાજે રૂ.૩ કરોડનો જંગી ખર્ચ કરી નાણાંનું રીતસર આંધણ કરવામાં આવ્યુંં છે ત્યારે આ ખર્ચ સતાધીશો અને અધિકારીઓના પગારમાંથી વસૂલવો જોઇએ તેવી પણ માંગણી શહેરીજનોમાં જોરશોથી ઉઠી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application