દેવભૂમિ દ્વારકા: દિવ્યાંગ બાળકોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
પોરબંદર સ્થિત શિશુ કુંજ સંસ્થા સાથે જોડાયેલા દિવ્યાંગ બાળકોએ દ્વારકા પંથકના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આધ્યાત્મિક આનંદ મેળવ્યો હતો. સંસ્થાના સંચાલક હેતલબેન થાનકીના માતૃશ્રી સ્વ. દુર્ગાબેન નરેન્દ્રભાઈ થાનકીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે આ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવાસ દરમિયાન સૌપ્રથમ બાળકોએ વિસાવાડા ખાતે આવેલા મૂળ દ્વારકાના દર્શન કર્યા હતા. ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અંતે દ્વારકાના જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બાળકોએ ધન્યતા અનુભવી હતી.
દિવ્યાંગ બાળકોને ભગવાન દ્વારકાધીશના દર્શન સરળતાથી થઈ શકે તે માટે દ્વારકા જગત મંદિરના ડીવાયએસપી સાગર રાઠોડ તથા પીઆઈ કરપડા તેમજ પોલીસ જશાનો અને મંદિર સુરક્ષા જવાનો દ્વારા વિશેષ વ્યવસ્થા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંને અધિકારીઓના આયોજન અને સહકારથી તમામ દિવ્યાંગ બાળકોને કોઈ મુશ્કેલી વિના ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવામાં આવ્યા હતા.
ભગવાન દ્વારકાધીશના દર્શન થતાં જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. જાણે તેમની એક મોટી ઈચ્છા પૂર્ણ થઈ હોય તેવી ખુશી તેમના ચહેરા પર છલકાઈ રહી હતી. દર્શનની સુંદર વ્યવસ્થા બદલ દિવ્યાંગ બાળકોએ ડીવાયએસપી સાગર રાઠોડ તથા પીઆઈ કરપડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
દર્શન બાદ શારદાપીઠ ખાતે બાળકોએ ભજન-કીર્તનનો આનંદ માણ્યો હતો તથા સૌએ સાથે પ્રસાદીરૂપે ભોજન લીધું હતું. સમગ્ર ધાર્મિક પ્રવાસ દિવ્યાંગ બાળકો માટે આનંદદાયક અને યાદગાર બની રહ્યો હતો.