BREAKING NEWS

ઝેરી વેસ્ટના આક્ષેપોથી ઘેરાયેલ યુનિટ સામે હવે ગ્રામજનો આરપારની લડાઈના મૂડમાં

  • August 11, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં આવેલા એક વિવાદાસ્પદ કેમિકલ વેસ્ટ નિકાલ યુનિટને લઈને ફરી એકવાર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાના વરસાદને પગલે નદી-નાળામાં એકત્ર થયેલા પાણીમાં કેમિકલ વેસ્ટ ભળતાં નજીકના વિસ્તારમાં રહેલા બે પશુઓના મોત નિપજ્યા હોવાનો ગંભીર આક્ષેપ પશુપાલકો અને ગ્રામજનોએ કર્યો છે.
સ્થાનિક પશુપાલકોના જણાવ્યા મુજબ વરસાદી પાણી સાથે ભળેલા પ્રદૂષિત પાણીનું પશુઓ દ્વારા સેવન કરાતા આ દુઃખદ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. ઘટનાને લઈને અસરગ્રસ્તોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે યુનિટને મંજૂરી આપતી વખતે સ્થાનિક લોકોના અભિપ્રાય, આસપાસની પર્યાવરણીય સ્થિતિ અને સંભવિત જોખમોનું પૂરતું મૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું. રાજકીય પ્રભાવ અને અન્ય પરિબળોના આધારે મંજૂરી અપાઈ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે યુનિટની આસપાસ ખેતીવાડી વિસ્તાર, અનેક ગ્રામ્ય વસાહતો તેમજ મહત્વના પાણીના સ્ત્રોતો આવેલા છે. જેના કારણે ભવિષ્યમાં પર્યાવરણ, પશુધન અને માનવ આરોગ્ય ઉપર ગંભીર અસર થવાની ભીતિ સ્થાનિકોમાં વ્યાપી રહી છે.
સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ અગાઉ પ્રાંત અધિકારી દ્વારા આ યુનિટને સીલ કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં હાઈકોર્ટમાંથી ડમ્પિંગ સિવાયની મર્યાદિત પ્રવૃત્તિ કરવાની શરતે રાહત મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે યુનિટ દ્વારા શરતોનું ઉલ્લંઘન કરી ગેરરીતિપૂર્વક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રદૂષિત પાણી વરસાદી પ્રવાહમાં ભળી પશુઓના મોત અને પશુઓમાં બીમારી ફેલાવવાના બનાવો સામે આવી રહ્યા છે.
આ ઘટનાને પગલે આસપાસના ગામોના સરપંચો, પશુપાલકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ યુનિટને કાયમી ધોરણે બંધ કરવાની માંગ સાથે સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગણી કરી છે. માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application