BREAKING NEWS

દેશભરમાં વેપારીઓ 2 ઓક્ટોબરે મનાવશે ‘NO UPI ડે’: ક્યૂઆર કોડ કાળા કપડાથી ઢંકાશે, એમડીઆર ચાર્જનો આકરો વિરોધ

  • October 01, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે 2 ઓક્ટોબરના રોજ તહેવારોની ખરીદી કરવા માટે બજારમાં જવાનું વિચારી રહ્યા છો, તો ખિસ્સામાં રોકડ રકમ (કેશ) રાખવી અત્યંત જરૂરી બનશે. કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી ₹2,000 થી વધુના યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર 0.40% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાના નિર્ણય સામે દેશભરના વેપારીઓએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. આ નિર્ણયના વિરોધમાં દિલ્હીથી લઈને મુંબઈ સુધીના 100 થી વધુ મોટા વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે સત્તાવાર રીતે ‘નો યુપીઆઈ ડે’ મનાવવાની જાહેરાત કરી છે.

આ પ્રદર્શન દરમિયાન દેશભરમાં 2,000 થી વધુ સ્થળોએ દુકાનો પર મુકેલા ક્યૂઆર (QR) કોડ સ્કેનરને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવશે અને સાઉન્ડ બોક્સ પણ બંધ રાખવામાં આવશે. ફ્રેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશન (FRTWA) અને રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (RAI) ના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝનમાં મોંઘી ખરીદીઓ વધુ થતી હોય છે. જો ₹10,000 ની ખરીદી પર વેપારીના ખાતામાંથી સીધા ₹40 કપાઈ જાય તો તેમનો નફો સાવ ધોવાઈ જશે, જેનાથી વેપારીઓ પર ભારે નાણાકીય બોજ પડશે.


બીજી તરફ, વિરોધ વધતાં નાણાં મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નવા નિયમનો પ્રભાવ માત્ર મોટા કારોબારીઓ પર જ પડશે. જે નાના દુકાનદારોની યુપીઆઈ દ્વારા માસિક કમાણી ₹1 લાખથી ઓછી છે, તેમને આ એમડીઆર ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ મોટા ટ્રાન્ઝેક્શન પર લાગતા એમડીઆર ચાર્જની મહત્તમ મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે. એટલે કે જો કોઈ ગ્રાહક ₹75,000 થી લઈને ₹5 લાખ સુધીનું પેમેન્ટ પણ કરશે તો પણ વેપારીના ખાતામાંથી મહત્તમ ₹300 જ કપાશે.


​​​​​​​નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સ્પષ્ટ કર્યું છે કે એમડીઆર એ કોઈ સરકારી ટેક્સ કે સેસ નથી અને તેનો એક પણ રૂપિયો સરકારી તિજોરીમાં જવાનો નથી, પરંતુ આ ચાર્જ ડિજિટલ પેમેન્ટ નેટવર્ક અને બેંકિંગ વ્યવસ્થાને ચલાવવા માટેનો પ્રોસેસિંગ ખર્ચ છે. આમ છતાં, વેપારી સંગઠનો આ નિર્ણય સંપૂર્ણપણે પાછો ખેંચવાની માંગ પર અડગ છે. આથી 2 ઓક્ટોબરે ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટના બદલે માત્ર રોકડ અથવા કાર્ડથી જ ચુકવણું કરવાની સલાહ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application