BREAKING NEWS

મિડલ ઈસ્ટમાં વધતો હવાઈ ખતરો: EASA એ એરલાઈન્સને સાઉદી અરેબિયા અને અખાતી દેશોના એરસ્પેસનો ઉપયોગ ન કરવા આપી કડક સૂચના

  • October 01, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં સતત વધી રહેલા યુદ્ધના તણાવ અને સશસ્ત્ર હુમલાઓને ધ્યાનમાં રાખીને યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક એવિએશન એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ઈએએસએ એ પોતાની સત્તાવાર વેબસાઈટ પર નિવેદન બહાર પાડીને તમામ એરલાઈન્સ અને કોમર્શિયલ ફ્લાઈટ્સને સાઉદી અરેબિયા અને જોર્ડનના એરસ્પેસથી દૂર રહેવાની સ્પષ્ટ અને સખત સલાહ આપી છે. આ ઉપરાંત એજન્સીએ અખાતી ક્ષેત્રના અન્ય અનેક દેશોના હવાઈ ક્ષેત્રથી બચવા અને ચેતવણીની સમયસીમા લંબાવવાનો નિર્ણય લીધો છે.


યમનના હૂથી વિદ્રોહીઓ દ્વારા સીમાપારથી કરવામાં આવી રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓને જોતાં એરલાઈન્સને સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ટાળવા માટે કહેવામાં આવ્યું છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે તાજેતરમાં ડાયવર્ટ થયેલી ફ્લાયદુબઈ ફ્લાઈટની ઘટના આ સલાહનું મૂળ કારણ નથી, પરંતુ આ નિર્ણય સમગ્ર વિસ્તારની વ્યાપક સુરક્ષા સમીક્ષા કર્યા બાદ લેવામાં આવ્યો છે. જોર્ડનના હવાઈ ક્ષેત્ર અંગેની પોતાની જૂની ચેતવણીમાં સુધારો કરતાં એજન્સીએ હવે તમામ ઊંચાઈઓ પર જોર્ડનના એરસ્પેસમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.


એજન્સીએ સમગ્ર મિડલ ઈસ્ટના સુરક્ષા વાતાવરણનું પુનઃમૂલ્યાંકન કરીને અન્ય કેટલીક માર્ગદર્શિકાઓની મુદત પણ લંબાવી દીધી છે. બહરીન, કુવૈત, કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનના સમગ્ર હવાઈ ક્ષેત્રથી બચવાની પોતાની અગાઉની સલાહને જાળવી રાખીને એરલાઈન્સને અત્યંત સતર્ક રહેવા જણાવાયું છે.


​​​​​​​લેબનાન, ઈરાન અને ઈરાકના સમગ્ર એરસ્પેસની સાથે પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતના દરિયાઈ વિસ્તારો પરથી પસાર થતાં હવાઈ માર્ગોનો ઉપયોગ ન કરવાની ચેતવણીની અવધિ 16 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ તેહરાન દ્વારા અખાતી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની મુસાફરી પર ગંભીર જોખમ ઊભું થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application