BREAKING NEWS

જૂનાગઢના શહીદ જવાન અમિત કુમારની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારનું હૈયાફાટ રૂદન, કરૂણ દૃશ્યો સર્જાયા

  • November 07, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં રહેતા અમિતકુમાર ધોળકિયા દિલ્હી એર ફોર્મેશન સિગ્નલ કંપનીમાં ફરજ બજાવતા હતા. અમિતકુમાર ધોળકિયા ૨૩ વર્ષથી હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમનું નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું હતું. આજે શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વણઝારી ચોક તાલુકા શાળા ખાતે અંતિમ દર્શનાર્થે રખાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાનની અંતિમ યાત્રા દરમિયાન વણઝારી ચોક નવા નાગરવાડા વિસ્તારમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. વણઝારી ચોક નવા નાગરવાડા સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રાખી વેપારીઓએ શોકમય સજ્જડ બંધ રાખ્યો હતો.


શ્વાસની તકલીફ ઈન્ફેક્શનના કારણે છેલ્લા ત્રણ વર્ષથી બીમાર હતા

જૂનાગઢમાં નવા નાગરવાડામાં રહેતા અમિતભાઈ મનુભાઈ ધોળકિયા (માળી) પ્રથમ લદાખ અને ત્યારબાદ દિલ્હી એર ફોરમેશન સિગ્નલ કંપનીમાં ૨૩ વર્ષથી હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. માજી સૈનિક ફાઉન્ડેશનના એ કે પરમારના જણાવ્યા મુજબ અમિતભાઈ હવાલદાર તરીકે કાર્યરત હતા. શ્વાસની તકલીફ ઈન્ફેક્શનના કારણે છેલ્લા ત્રણ વર્ષથી બીમાર હતા. નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. કંપની દ્વારા પાર્થિવદેહને જામનગર એરપોર્ટથી જૂનાગઢ લાવવામાં આવેલ હતો. 


પરિવારજનો અને સ્નેહીજનોમાં શોકનું મોજુ 

આજે સવારે શહીદ અમિતભાઈના પાર્થિવદેહને તેના નિવાસ્થાને લવાયો હતો. નિવાસ્થાને અંતિમ દર્શન માટે લોકો આવ્યા હતા. વિસ્તારમાં 'શહીદ જવાન અમિતભાઈ અમર રહો'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. પરિવારજનો અને સ્નેહીજનોમાં શોકનુ મોજુ છવાયું હતું. સમગ્ર વિસ્તાર શોકમય બંધ રહ્યો હતો. આજે સવારે માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા મજેવડી દરવાજાથી નવા નાગરવાડા તેના નિવાસ્થાન સુધી બાઈક રેલી દ્વારા સન્માન યાત્રા પહોંચી હતી. ત્યારબાદ સવારે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ તેના પાર્થિવદેહને વણઝારી ચોક તાલુકા શાળા ખાતે અંતિમ દર્શને રાખવામાં આવ્યો હતો. 


અમિતભાઈને સંતાનમાં એક પુત્રી અને પુત્ર 


આ સમયે ધારાસભ્ય ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, સ્થાનિક રહેવાસીઓ, રાજકીય સામાજિક આગેવાનો ઉપરાંત માજી સૈનિકો સહિત મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વણઝારી ચોક, નવા નાગરવાડા સહિતના વિસ્તારના વેપારીઓએ અંતિમ યાત્રા સમયે શોકમય બંધ રાખ્યો હતો. નવા નાગરવાડા વિસ્તારથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માર્ગો પર પુષ્પવર્ષા કરવામા આવી હતી. શહીદ અમિતભાઈને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. એકાએક તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ છવાયું છે. અમિતભાઈના દર્શન માટે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નવા નાગરવાડાથી સોનાપુરી સુધીના માર્ગો પર પણ વિવિધ વિસ્તારોમાં પુષ્પ વર્ષા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application