ગોંડલ તાલુકામાં ચકચારી અમિત ખુંટ આત્મહત્યા કેસમાં હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. લાંબા સમયથી ફરાર રાજદીપસિંહ જાડેજાએ અંતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની આગોતરી જામીન અરજી ફગાવાયા બાદ રાજદીપસિંહે આ નિર્ણય લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવશે. પોલીસે આ કેસમાં વધુ પૂછપરછ હાથ ધરવાની તૈયારી શરૂ કરી છે. ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાએ જણાવ્યું કે, અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. તેમની ધરપકડ જરૂરી હતી. હવે તેણે સરેન્ડર કર્યું છે, આથી અમે રિમાન્ડ મેળવી તપાસને વધુ વેગ આપશું.
ડિવાયએસપી ઝાલાએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી કોણે કોણે રાજદીપસિંહ જાડેજાને આશરો આપ્યો અને તેઓ કયા કયા સ્થળે ફરતા રહ્યા તેની પણ વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. રાજદીપસિંહ કેટલા સમયથી પોલીસથી દૂર રહ્યા અને આ દરમિયાન કોના સંપર્કમાં હતા તે મુદ્દાઓની પણ તપાસ હાથ ધરાશે.
અમિત ખુંટના પરિવારજનો લાંબા સમયથી ન્યાયની માંગ કરી રહ્યા હતા. હવે આરોપી રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડર થવાથી કેસમાં તપાસનો નવો અધ્યાય શરૂ થયો છે. પોલીસે જણાવ્યું છે કે, રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહ પાસેથી મહત્વપૂર્ણ માહિતી બહાર આવવાની સંભાવના છે. ગોંડલ પોલીસ અને તપાસ ટીમ આ કેસને ઝડપથી અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચાડવા માટે સક્રિય બની છે.