જામનગરની જી.જી.હોસ્પિટલની ૯ માળની નવી ઇમારતમાં એક લીફટ બંધ, ભારે દેકારો
જામનગરની જી.જી.હોસ્પિટલની ૯ માળની નવી ઇમારતમાં એક લીફટ બંધ, ભારે દેકારો
January 24, 2026 11:19 AM
જામનગરની જી.જી.હોસ્પિટલની ૯ માળની નવી ઇમારતમાં એક લીફટ બંધ હોવાથી ભારે દેકારો બોલી ગયો છે. કારણ કે, લીફટ બંધ હોય દર્દીઓની પીડામાં વધારો થઇ રહ્યો છે તો પરિવારજનો પારવાર હાલાકી ભોગવી રહ્યા છે. આટલું જ નહીં બેમાંથી એક જ લીફટ ચાલુ હોય આવાગમન માટે લોકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, ક્ષતિના કારણે છેલ્લાં ચારેક દીવસથી લીફટ બંધ હોય કયારે શરૂ થશે તે નકકી ન હોવાની તથા અણધડ વ્યવસ્થાની ફરિયાદો લોકોમાં જોરશોરથી ઉઠી છે.
જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ૭૦૦ બેડની નવી નવ માળની હોસ્પિટલ બનાવામાં આવી છે. આ નવી હોસ્પિટલ તરીકે જાણીતી ઇમારતમાં બે લીફટની સુવિધા છે. લીફટમાં દર્દીઓ અને તેના પરિવારજનોની સાથે હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ આવાગમન કરે છે. આથી લીફટમાં દરરોજ ભારે લોડ રહે છે. ત્યારે છેલ્લાં ચારેક દીવસથી આ નવ માળની ૭૦૦ બેડની હોસ્પિટલમાં બેમાંથી એક લીફટ બંધ છે.
આથી દર્દીઓ અને તેના પરિવારજનોમાં ભારે દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ છે. એક લીફટ બંધ હોવાથી તમામ લોડ બીજી કાર્યરત લીફટ પર પડે છે. આટલું જ નહીં એક લીફટના કારણે દરેક માળ પર દર્દીઓને ભારે રાહ જોવી પડે છે. આથી તેઓની પીડા ઘટવાને બદલે વધી છે. જયારે પરિવારજનો ને ના છૂટકે નવ-નવ માળ ચડવાની ફરજ પડી રહી છે. આટલું જ નહીં એક લીફટ કાર્યરત હોય આવાગમન કરતા લોકોમાં ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે.
લીફટના અમુક મહત્વના લોક તૂટી જવાના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બંધ લીફટ કયારે શરૂ થશે તે નકકી ન હોવાની ફરિયાદો દર્દીઓ અને તેના પરિજનોમાં ઉઠી છે. જેના કારણે એક લીફટ પર ભારે લોડ પડી રહ્યો છે. ત્યારે આ લીફટ પણ ઓવરલોડના કારણે બંધ થઇ જશે તો દર્દીઓ અને પરીવારજનો રઝળી પડશે તેમાં બેમત નથી. આથી તાકીદે બંધ લીફટ શરૂ થાય તેવી માંગણી દર્દીઓ અને પરિજનોમાં ઉઠી છે.