જામનગરની જી.જી.હોસ્પિટલના ૭૩ નર્સીંગ કર્મચારીની આખરે બદલી કરવામાં આવી છે. ૨૩ જૂનના કર્મચારીઓની બદલીનો આદેશ મોકૂફ રાખવામાં હોસ્પિટલના કર્મચારીઓમાં તરેહ-તરેહની ચર્ચા વચ્ચે અનેક સવાલ ઉઠ્યા હતાં. કર્મીઓની બદલીનો હુકમ ચાર મહીના પછી કરવામાં આવ્યો છેે. નવા આદેશમાં નિયત પ્રોટોકોલ, પીએમજેવાય ઇન્સેન્ટીવની ગાઇડલાઇન મુજબ આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે પુન: કર્મચારીની બદલીનો મુદો ચર્ચાનો વિષય બન્યો છે.
જામનગરની સરકારી ગુરૂ ગોવીંદસિંધ હોસ્પિટલની નર્સીંગ અધિક્ષક કચેરી દ્વારા ગત તા.૨૩-૬-૨૦૨૫ના રોજ તબીબી અધિક્ષકના તા.૧૮-૧-૨૦૨૫ના તથા રાજયના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધન નર્સીંગ સ્ટાફ તાલીમ ફરજના પત્ર અન્વયે જી.જી.હોસ્પિટલના જુદા-જુદા વિભાગમાં ફરજ બજાવતા ૭૩ નર્સીંગ સ્ટાફના કર્મચારીઓની સ્ટાફ નર્સ વર્ગ-૩ સંવર્ગના કર્મીઓના રોટેશનનો આદેશ કરાયો હતો. એટલે કે, આ ૭૩ કર્મચારીઓની જી.જી.હોસ્પિટલના અન્ય વિભાગમાં આંતરીક બદલી કરવામાં આવી હતી. જેમાં મહીલા અને પુરૂષ બંને કર્મચારીનો સમાવેશ કરાયો હતો. આટલું જ નહીં આ આદેશમાં જે નર્સીંગ કર્મચારીઓની સંબધીત વોર્ડ વિભાગમાં બદલી આંતરીક બદલી કરવામાં આવી છે તેની કાર્યવાહી અને ફરજ સોંપણીની કામગીરી ૭ દિવસમાં પૂર્ણ કરી આ અંગેની જાણ મદદનીશ નર્સીંગ અધિક્ષકે નર્સીંગ અધિક્ષકને કરવા પણ સૂચના અપાઇ હતી.
પરંતુ ૭૩ નર્સીંગ કર્મચારીઓની આંતરિક બદલીનો આદેશ મોકૂફ રાખવામાં આવતા યેનકેન પ્રકારે દબાણ સહીતની ચર્ચા સાથે અનેક સવાલ ઉઠ્યા હતાં. આટલું જ નહીં આદેશ મોકૂફ રાખ્યાના બે મહીના પછી પણ નવો આદેશ કરાયો ન હતો. આથી કોકડું વધુ ગૂંચવાયું હતું. આ અંગે જી.જી.હોસ્પિટલના નર્સીંગ અધિક્ષક કચેરીના અધિક્ષક લાલજીભાઇ વાઘેલાએ પ્રોટોકોલ બનાવવા તથા પીએમજેવાય અંતર્ગત કર્મચારીઓની પૂરતુ અને યોગ્ય ઇન્સેટીવ મળી રહે, રોટેશન કંઇ રીતે કરવું તે સહીતની બાબતોને અનુલક્ષીને આદેશ મોકૂફ રખાયો હોવાનું જે-તે વખતે જણાવ્યું હતું.
ત્યારબાદ ૨૩ જૂન પછી એટલે કે ચાર મહીના બાદ તા.૧૬-૧૦-૨૦૨૫ના આખરે જી.જી.હોસ્પિટલના ૭૩ નર્સીંગ કર્મચારીની આંતરીક બદલીનો પુન: આદેશ કરાયો છે. પરંતુ નવાઇની વાત એ છે કે, ૨૩ જૂનના નર્સીંગ કર્મચારીઓની બદલીનો જે આદેશ કરાયો તેમાં આ કર્મચારીઓની બદલી નર્સીંગ કર્મચારીઓના વોર્ડ વિભાગના સંસ્થાકીય સેટઅપ તેમજ કામગીરીના ભારણને ઘ્યાનમાં રાખી અને દર્દીઓની સેવાઓને પહોંચી વળવા તથા સુચારૂ નર્સીંગ સંચાલન થાય તે હેતુથી કરવામાં આવ્યાનું જણાવ્યું હતું.
પરંતુ ત્યારબાદ ૧૬-૧૦-૨૦૨૫ના જે આદેશ કરવામાં આવ્યો તેમાં તબીબી અધિક્ષક, આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગર, કચેરીના જનરલ રોટેશન કમીટી રચના, નર્સીંગ સંવર્ગ જનરલ રોટેશન કમીટી, પીએમજેવાયના કમિશ્નર સહીતના પત્ર અનુસાર જી.જી.હોસ્પિટલના વિવિધ વોર્ડ અને વિભાગમાં ફરજ બજાવતા નર્સીંગ કર્મચારીઓના વોર્ડ-વિભાગના સંસ્થાકીય સેટઅપ તેમજ કામગીરીના ભારણને ઘ્યાનમાં રાખી, સંસ્થાકીય નર્સીંગ સંવર્ગ જનરલ રોટેશન સમિતિ દ્રારા નકકી કરાયેલા નિયત પ્રોટોકોલને ઘ્યાનમાં રાખી દર્દીલક્ષી સેવાને પહોંચી વળવા તેમજ સૂચારૂ નર્સીંગ સંચાલનના હેતુથી તથા પીએમજેવાયની ઇન્સેટીવની નિયત ગાઇડલાઇન મુજબ એકસમાન ચૂકવણાના હેતુથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.