રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધે અને શ્રેષ્ટ કામગીરી કરનારી શાળાઓને પ્રોતસાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત શરૂ કરાયેલી શ્રેષ્ઠ સ્કુલ પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે જાહેર કરાયેલા પરિણામોમાં જામનગર જિલ્લાના ધ્રોલની જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલયએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કમિશનર ઓફ સ્કૂલ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ રાજ્યની કુલ ૩૧ શ્રેષ્ઠ શાળાઓની કડક ચકાસણી અને ગુણાંકન પ્રક્રિયા બાદ ટોપ-૩ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ધ્રોલની જી.એમ. પટેલ ગર્લ્સ હાઇસ્કુલને ૧૦૦માંથી ૮૭.૬૪ ગુણ પ્રાપ્ત થતાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મળ્યું છે. આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણમાં રાજ્ય સ્તરે આગવું સ્થાન મેળવી શકે છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ પ્રેરિત કમિશ્નર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત પ્રક્રિયા અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્યની બિનસરકારી અનુદાનિત શાળાઓમાંથી જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય ધ્રોલને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમાંકે પસંદ કરી પ્રશસિતપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
શાળા પરિવાર અને સમગ્ર તાલુકામાં ખુશીની લહેર આ સિદ્ધિ બદલ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો તેમજ સમગ્ર ધ્રોલ તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. શાળા સંચાલન દ્વારા આ સફળતાને શિક્ષકોની અવિરત મહેનત, વિદ્યાર્થીઓની લગન અને માતા-પિતાના સહકારનું પરિણામ ગણાવવામાં આવ્યું છે.ધ્રોલની આ સિદ્ધિથી જામનગર જિલ્લાએ રાજ્યના શિક્ષણ નકશામાં આગવું સ્થાન મેળવ્યું છે. સાથે જ આ સફળતા અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે કે સીમિત સંસાધનો વચ્ચે પણ ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ શક્ય છે.
શૈક્ષણિક ગુણવત્તા અને સર્વાંગી વિકાસમાં આગવી ઓળખ શાળાએ શૈક્ષણિક પરિણામ, વિદ્યાર્થીઓની સતત પ્રગતિ, શિસ્ત અને નિયમિતતા, અસરકારક શાળા સંચાલન, સ્વચ્છતા, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, ડિજિટલ શિક્ષણ તેમજ નવીન શિક્ષણ પદ્ધતિઓ જેવા અનેક વિકાસાત્મક માપદંડોમાં ઉત્તમ કામગીરી નોંધાવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત અભિગમ આ સિદ્ધિનો મુખ્ય આધાર બન્યો છે.
રૂ. ૫ લાખનું પ્રોત્સાહક ઈનામ
રાજ્ય સરકાર દ્વારા પ્રથમ ક્રમે પસંદ થયેલી આ શાળાને રૂા. ૫ લાખનું પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. સરકારના નિર્દેશ મુજબ આ રકમનો ઉપયોગ શાળાની ભૌતિક સુવિધાઓ, શેક્ષણિક સાધનો, લાઇબ્રેરી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા વિદ્યાર્થીઓના હિત માટે ૩૧ માર્ચ પહેલાં કરવાનો રહેશે.