જીપીસીબી દ્રારા બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને રાજકોટ નીચે મુકાયા
જીપીસીબી દ્રારા બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને રાજકોટ નીચે મુકાયા
August 07, 2026 01:54 PM
રાજયમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔધોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા એક અત્યતં મહત્વપૂર્ણ અને પ્રજાભિમુખ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વ હેઠળ બોટાદ તેમજ બામણબોર વિસ્તારનું પ્રાદેશિક પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ નવા સુધારા અંતર્ગત ભૌગોલિક અનુકૂળતાને ધ્યાને રાખી બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને સુરેન્દ્રનગર કચેરીમાંથી મુકત કરીને રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ફેરફારથી રાજકોટ કચેરીનું અંતર ૮૪ કિમીથી ઘટીને માત્ર ૨૯ કિમી થઈ જશે, જેના કારણે ૫૫ કિમીનો મોટો ઘટાડો થશે. રાજકોટ ખાતે બોર્ડની સુસ પ્રયોગશાળા ઉપલબ્ધ હોવાથી ઉધોગોના સેમ્પલનું પૃથક્કરણ અને કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ આપવાનું કાર્ય ખૂબ જ સરળ બનશે. હિરાસર આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ નજીક હોવાથી અહીં વીઆઈપી અવરજવર સમયે પર્યાવરણીય દેખરેખ પણ વધુ અસરકારક બનશે. બીજી તરફ, અમદાવાદ (ગ્રામ્ય) કચેરીનો વહીવટી ભારણ ઘટાડવા માટે બોટાદ જિલ્લાના તમામ ૧૬૯ ઔધોગિક અને ૩૬ હેલ્થકેર એકમોને સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરી સાથે જોડવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદથી બોટાદનું અંતર આશરે ૧૩૦ કિમી હતું, જે હવે ઘટીને માત્ર ૭૦ કિમી થઈ ગયું છે. અંતર ઘટવાથી સ્થાનિક ઉધોગકારો અને નાગરિકો માટે પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયા તેમજ ફરિયાદ નિવારણ ઝડપી બનશે. આ નિર્ણયના અમલીકરણ માટે સંબંધિત ઉધોગ–એકમોના ડેટા અને ફાઇલોને એકસજીએન પોર્ટલ પર તબદીલ કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રત્યે ગુજરાત સરકાર અને જીપીસીબી ની આ પ્રતિબદ્ધતા ઉધોગો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.