અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં થયેલા ભારે વધારાને કારણે માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી અને જટિલ બની રહી છે. તાજેતરના આંકડા મુજબ, અમદાવાદ જિલ્લામાં સક્રિય વાહનોની કુલ નોંધાયેલી સંખ્યા વધીને ૨૯,૦૫,૨૬૫ સુધી પહોંચી ગઈ છે. વાહનોની આટલી મોટી સંખ્યાને કારણે હવે અમદાવાદે દેશના સૌથી વધુ વાહનો ધરાવતા જિલ્લાઓની યાદીમાં ટોપ-દસમાં સ્થાન મેળવ્યું છે.
શહેરમાં દોડતા કુલ ૨૯.૦૫ લાખ વાહનો પૈકી માત્ર અમદાવાદ ઈસ્ટ (પૂર્વ વિસ્તાર)માં જ ૯,૧૪,૭૪૩ વાહનો નોંધાયેલા છે. હાલના સમયમાં મોટાભાગના પરિવારોમાં એક કરતાં વધુ ખાનગી વાહનો રાખવાનો ક્રેઝ અને જરૂરિયાત વધી છે. પરિણામે મુખ્ય અને અંતરિયાળ રસ્તાઓ પર વાહનોનું ભારણ અતિશય વધી ગયું છે અને શહેરના વિવિધ ચાર રસ્તાઓ તેમજ ફ્લાયઓવર પર ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે.
રાષ્ટ્રીય સ્તરે વાહનોની સંખ્યાની સરખામણી કરવામાં આવે તો બેંગલુરુ ૭૩.૨૪ લાખ વાહનો સાથે સમગ્ર દેશમાં મોખરાના સ્થાને છે. આ યાદીમાં ૪૪.૨૬ લાખ વાહનો સાથે પૂણે બીજા ક્રમે, ૩૧.૪૮ લાખ વાહનો સાથે ચેન્નાઈ ત્રીજા ક્રમે, ૨૯,૦૫,૨૬૫ વાહનો સાથે અમદાવાદ ચોથા ક્રમે, ૨૭.૨૪ લાખ વાહનો સાથે જયપુર પાંચમા ક્રમે, ૨૭.૨૧ લાખ સાથે થાણે છઠ્ઠા ક્રમે, ૨૩.૫૮ લાખ સાથે મુંબઈ સબઅર્બન સાતમા ક્રમે અને ૨૦.૮૨ લાખ વાહનો સાથે લખનઉ આઠમા ક્રમે આવે છે.
ગુજરાત રાજ્યના સ્તરે વાહનોના રજિસ્ટ્રેશનની બાબતમાં અમદાવાદ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે યથાવત છે. રાજ્યના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો ૨૦,૬૫,૦૭૪ વાહનો સાથે સુરત બીજા સ્થાને, ૧૨,૭૨,૮૬૦ વાહનો સાથે રાજકોટ ત્રીજા સ્થાને અને ૧૧,૮૨,૭૫૬ સક્રિય વાહનો સાથે વડોદરા ચોથા સ્થાને આવે છે. સતત વધતા વાહનોને કારણે શહેરી માળખા અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે દબાણ ઊભું થઈ રહ્યું છે.