BREAKING NEWS

અમદાવાદમાં નવા વર્ષે જ હત્યાકાંડ: યુવકની છાતીમાં છરી ઝીંકી નિર્મમ હત્યા

  • November 10, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


#teamaajkaal

અમદાવાદ શહેરમાં વિક્રમ સંવત ૨૦૮૩ના નવા વર્ષના પહેલા જ દિવસે એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારના કે.કે. શાસ્ત્રી નગર ખાતે જૂની અદાવતના કારણે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા એક નિર્દોષ યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. નવા વર્ષના પ્રારંભે જ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૯ નવેમ્બરની રાત્રે રાયપુર પાસે આવેલા કે.કે. શાસ્ત્રીનગર વિસ્તારમાં આ હિંસક બનાવ બન્યો હતો. મૃતક યુવક પોતાના વિસ્તારમાં આવેલા બ્લોક નંબર-૩ પાસે ઊભો હતો, તે દરમિયાન શેખુ મિયાની ચિલાનો રહેવાસી એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. આ આરોપીને અંદાજે એક મહિના અગાઉ મૃતકના ભાઈ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેની જૂની અદાવત તેના મનમાં ચાલી રહી હતી.


આરોપીએ જૂનો ખર કાઢવાના ઇરાદાથી યુવકના ભાઈ સાથે ફરીથી બોલાચાલી શરૂ કરી દીધી હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. પોતાના ભાઈ પર જોખમ જોઈને યુવક તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા અને ગુસ્સાથી પાગલ બનેલા આરોપીએ વચ્ચે પડનાર યુવકને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વાત એટલી હદે વણસી ગઈ કે આવેશમાં આવેલા આરોપીએ પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને સીધી યુવકની છાતીના ભાગે ખૂંપી દીધી હતી. અચાનક થયેલા આ હુમલાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો એકઠા થઈ ગયા હતા. ભીડ જમા થતી જોઈને હુમલાખોર આરોપી ઘટનાસ્થળેથી છરી સાથે ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં ફંગોળાયેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેનું દુખદ મૃત્યુ નીપજ્યું હતું.


સમગ્ર હત્યાકાંડ મામલે મૃતકના ભાઈએ આગળ આવીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ખૂંખાર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નવા વર્ષની ખુશીઓ ઉજવવાના બદલે એક પરિવારમાં વ્હાલસોયા યુવકના મોતથી માતમ છવાઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application