#teamaajkaal
રાજકોટ શહેર માટે નવા વર્ષનો પ્રારંભ અત્યંત દુઃખદ અને આઘાતજનક સાબિત થયો છે. નવા વર્ષના મંગલમય વાતાવરણ વચ્ચે એક ૩૫ વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકના કારણે અકાળે અચાનક અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા ૩૫ વર્ષીય મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણ નામના યુવાનનું હાર્ટ એટેક આવી જતાં કરૂણ મોત નીપજ્યું છે. મૃતક શિવરાજ ચૌહાણને સંતાનમાં ૫ વર્ષનો એક નાનો પુત્ર છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ગઈકાલે બપોરના સમયથી જ શિવરાજને છાતીમાં સતત દુઃખાવો થઈ રહ્યો હતો. જેને પગલે તાત્કાલિક તબીબી સલાહ લઈ તેમનો ઇસીજી (ECG) પણ કરાવવામાં આવ્યો હતો. જોકે, આ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પરંતુ, ગત મોડી રાત્રીએ ફરી એકવાર શિવરાજને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. સ્થિતિ ગંભીર જણાતાં પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સિવિલ હોસ્પિટલ પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
હાલ આ અંગે સિવિલ હોસ્પિટલમાં મૃતકના પોસ્ટ મોર્ટમની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારના જ દિવસે ઘરમાંથી જુવાનજોધ પુત્ર અને પિતાની નિવૃત્તિ છીનવાઈ જતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે. નાની વયે વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સ્થાનિક રહીશો અને આરોગ્ય ક્ષેત્રે પણ ચિંતા ઉપજાવી છે.