BREAKING NEWS

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરનારા થઈ જાવ તૈયાર, પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જુઓ આખું ટાઇમ ટેબલ

  • January 08, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરનારાઓ તૈયાર થઈ જાવ. કારણ કે જીપીએસસી દ્વારા વર્ષ 2026ના વર્ષમાં યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2ની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી તારીખોની રાહ જોઈ રહેલા ઉમેવારો માટે આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


GPSC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેક્નિકલ તેમજ શિક્ષણ અને વિશેષ સેવાઓનાં પદોનો સમાવેશ થાય છે. તારીખો જાહેર થતાં જ પરીક્ષાની તૈયારીમાં લાગેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ પદો માટે થશે પ્રીલિમ પરીક્ષા

આયોગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યૂલ મુજબ વહીવટી અને સચિવાલય સેવાઓમાં રહસ્ય સચિવ (ક્લાસ-2), મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2) જેવા પદો માટે પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત ટેક્નિકલ અને વિશેષ સેવાઓ હેઠળ MIS મેનેજર (ક્લાસ-1 અને 2), પશુચિકિત્સા અધિકારી (ક્લાસ-2), મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી જેવા મહત્ત્વનાં પદોનો સમાવેશ થાય છે. શિક્ષણ અને અન્ય સેવાઓમાં ગુજરાત શિક્ષણ સેવા, નિયામક ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક તેમજ મદદનીશ ઉદ્યોગ કમિશનર માટે પણ પ્રાથમિક કસોટી યોજાશે. આ સિવાય ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા અને સામાન્ય રાજ્ય સેવામાં વહીવટી અધિકારી (ક્લાસ-2) માટેની પરીક્ષાઓ પણ આ સમયગાળા દરમિયાન લેવામાં આવશે.


ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતે

GPSCના ચેરમેન દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવાયું છે કે વિવિધ વિભાગો સાથે પરામર્શની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ષ 2026નું સંપૂર્ણ ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. આયોગે ઉમેદવારોને સલાહ આપી છે કે પરીક્ષા કેન્દ્ર, સમય અને અન્ય વિગતવાર સૂચનાઓ માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત રીતે અપડેટ્સ તપાસતાં રહે. તારીખોની જાહેરાત બાદ હવે ઉમેદવારો તૈયારીને અંતિમ તબક્કે લઈ જઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application