ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં લેવાનારી ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું ચાલુ છે. પરીક્ષાના ફોર્મ સ્વીકારવાનું બોર્ડ દ્વારા શરૂ કરાયું હતું પરંતુ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ ન હતી.
ઓનલાઇન ભરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવશે
મોડે મોડે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવે આ સંદર્ભે જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે ગુજકેટની પરીક્ષાના ફોર્મ આજથી ઓનલાઇન ભરી શકાશે અને તારીખ 30 ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવશે.
વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી
ગુજરાતમાં 2016 થી ડીગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી, અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં આવે છે. આ વખતે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે અને પરીક્ષાની માહિતી પુસ્તિકા સહિતની વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે.
ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 રાખવામાં આવી
ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 રાખવામાં આવી છે અને તે એસબીઆઈ ઈ- પે મારફત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટબેન્કિંગ અથવા બ્રાન્ચ પેમેન્ટ દ્વારા કરી શકાશે, ફી ભર્યા પછી સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે. ચાલુ વર્ષે પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. ગુજકેટના ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂરી થયા પછી બોર્ડ દ્વારા બેઠક વ્યવસ્થા સંદર્ભે કામગીરી કરવામાં આવશે.