BREAKING NEWS

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ મોત કેસઃ ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટની પ્રક્રિયા માટે ગાંધીનગર FSL ખાતે લવાયો, જાણો શું છે નાર્કો ટેસ્ટ

  • December 08, 2025 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં રાજકુમાર જાટના રહસ્યમય મોતના મામલે તપાસે વધુ વેગ પકડ્યો છે. આ ઘટનામાં ગણેશ ગોંડલને આજે તપાસ માટે ગાંધીનગર સ્થિત એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે લવાયો છે. રાજકોટ કોર્ટ તરફથી નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રાજકુમાર જાટનું મોત સામાન્ય નહીં પરંતુ મારપીટના કારણે થયું હતું. તેઓના જણાવ્યા મુજબ, મોત પહેલા રાજકુમાર ગોંડલ ખાતે ગણેશ ગોંડલના ઘરે ગયો હતો અને ત્યાં કોઈ વિવાદ સર્જાયો હતો. તે પછી થોડા સમય બાદ રાજકુમારનો મૃતદેહ મળ્યો હતો, જેના પગલે વિસ્તાર સહિત પરિવાર અને સમાજમાં ભારે રોષ અને શંકા ઊભી થઈ છે.


એફએસએલ સૂત્રોના જણાવ્યા મુજબ આજે મોડીરાત સુધી ગણેશ ગોંડલની પૂછપરછ ચાલી શકે છે. નાર્કો ટેસ્ટ માટેની જરૂરી તૈયારી એફએસએલમાં શરૂ કરી દેવામાં આવી છે. નિષ્ણાંતોની ટીમે પ્રાથમિક પ્રક્રિયા પ્રારંભ કરી છે અને આગળના ચાર દિવસ સુધી અલગ-અલગ પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણો હાથ ધરવામાં આવશે. તેમાં નાર્કો વિશ્લેષણ ઉપરાંત માનસિક અને વર્તન આધારિત પરીક્ષણોનો પણ સમાવેશ થઈ શકે છે.


તપાસ અધિકારીઓનું કહેવું છે કે આ પરીક્ષણો રાજકુમાર જાટના મોતની પાછળની શક્ય પરિસ્થિતિઓને સમજવામાં મદદરૂપ થશે. જેને કારણે ઘટનાક્રમની ગૂંથી ખૂલવાની આશા છે. સ્થાનિક પોલીસ પણ સમગ્ર કેસની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ગોંડલમાં આ કેસને લઈને ચર્ચા ફરી તીવ્ર બની છે અને લોકોમાં ન્યાયની માંગ વધુ ઉગ્ર બની રહી છે. પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે કે એફએસએલના પરીક્ષણો બાદ સત્ય બહાર આવશે અને દોષીતો સામે કડક પગલા લેવામાં આવશે.


શું હતો સમગ્ર મામલો?

મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.


નાર્કો ટેસ્ટ કેવી રીતે થાય છે?

નાર્કો ટેસ્ટમાં અપરાધીને ટ્રુથ ડ્રગ આપવામાં આવે છે. જેનાથી તે સાચું બોલવા લાગે છે. ટ્રુથ ડ્રગને ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. ટ્રુથ ડ્રગના કારણે વ્યક્તિ થોડી મિનિટથી લઈને લાંબા સમય માટે અર્ધબેભાન હાલતમાં જતો રહે છે. આ સમયગાળો તેને કેટલો ડોઝ આપવામાં આવ્યો છે તેના પર નિર્ભર હોય છે. આવી અર્ધબેભાન હાલતમાં તે બધુ સાચુ બોલતો જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application