BREAKING NEWS

રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ, માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઈન્કાર, જાણો સમગ્ર મામલો

  • January 07, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલનો ચકચારી રામકુમાર જાટના શંકાસ્પદ મોતમાં પરિવારે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ભૂમિકા હોવાના આક્ષેપો કર્યા હતા. આથી રાજકોટ કોર્ટ દ્વારા ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવી હતી. ગાંધીનગર એફએસએલ દ્વારા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ તપાસ અધિકારી દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.  જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઈન્કાર કરવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા. હાઈકોર્ટેમાં આ કેસની વધુ સુનાવણી આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે.


સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો 

આજે સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે. જેમાં સીડીઆર અને નાર્કો એનાલિસિસ, સાહેદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રીપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી. નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે. યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રીપોર્ટ ફાઇલ કરવામાં આવશે. ત્રણ બાબતમાં તપાસ કરવાની હતી જેમાં એક મૃતકના ખોવાયેલાની ફરિયાદ ઉપર, એક એનસી કમ્પલેન ઉપર અને એક અકસ્માત મૃત્યુની ફરિયાદ ઉપર. તપાસ અધિકારીએ 05 બાબતો ધ્યાનમાં રાખી તપાસ કરી છે.


અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા

અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે. આ અકસ્માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે. મૃતકના પિતાને તમામ કાગળિયા અપાશે. તપાસના રેકર્ડના કાગળિયા વધારે હોવાથી અત્યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી. 11 ઇસમોના નામ જાણવાજોગ ગોંડલ પોલીસ મથકે નોંધાયેલ અરજીમાં સામે આવ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે મારામારીની વાત છે. ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટમાં 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કોઈને માર માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો તેને ટેસ્ટમાં ઇનકાર કર્યો છે. એનસી, ખોવાવવાના અને અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરાશે. ફરિયાદીને રિપોર્ટ આપવામાં અપાશે.


મૃતકના ગુદામાં અકસ્માતમાં ઇજા કેવી રીતે થાય?

અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મૃતકના ગુદામાં અકસ્માતમાં ઇજા કેવી રીતે થાય? તે 52 કિલોમીટર કેવી રીતે ચાલે? સરકારી વકીલે જણાવ્યું હતું કે તે 22 સીસીટીવી ફૂટેજમાં એકલો દેખાય છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે તો તે કેવી રીતે સીસીટીવીમાં તે અમુકમાં કપડાં પહેરેલ અને અમુકમાં નગ્ન દેખાય છે? સરકારી વકીલે કહ્યું હતું કે તેને કપડા કોને આપ્યા તેની પણ તપાસ થશે. અરજદારના વકીલે નાર્કો એનાલિસીસ ટેસ્ટ ઉપર પ્રશ્નો સર્જ્યા કે સામે ચાલીને આરોપી કેમ ટેસ્ટ માટે તૈયાર થયા? આરોપીને લિમિટેડ પ્રશ્નો પૂછાયા હતા. આઠ દિવસ બાદ મૃતકની બોડી કેવી રીતે મળી? કેટલીય ખૂટતી કડીઓના જવાબ મેળવવાના બાકી છે. આ અંગે અરજદાર રિપોર્ટ મેળવીને તેનો અભ્યાસ કરશે. આ કેસમાં વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ રાખવામાં આવી છે.


શું હતો સમગ્ર મામલો?

આ કેસની હકિકત એવી છે કે, મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ ત્રણ માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા પાંચ માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે ચાર માર્ચે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. નવ માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.


અગાઉ હાઇકોર્ટે આ કેસમાં ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. અરજદારે કહ્યું હતું કે 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે. તેને લોખંડના સળીયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનું ઇજાનો રીપોર્ટ છે. અકસ્માત મૃત્યુમાં આવી ઇજાઓ જોવા મળી શકે નહીં. જેથી આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવે.


રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નગ્ન હાલતમાં મૃતકની ડેડબોડી મળી હતી. જેને અકસ્માતમાં ખપાવાઈ રહ્યું છે. પોલીસ કહે છે કે આ કેસ હત્યાનો નહીં, પરંતુ આકસ્મિક મૃત્યુનો છે. સંપૂર્ણ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે મૃતકના હાથ અને પગ ઉપર ચકામાંના નિશાન જોવા મળ્યા છે. જે અકસ્માતથી થાય નહીં તેને માર મરાયો હોવાનો આ પુરાવો છે.


સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ તપાસ અનુસાર આકસ્મિક મૃત્યુનો કેસ છે. બસના ડ્રાઇવરથી અકસ્માત થયા બાદ તેને એક વ્યક્તિને ફોન કર્યો હતો કે તેનાથી અકસ્માત થયો છે. જેનો વોઇસ સ્પેક્ટોગ્રાફી રીપોર્ટ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે આરોપીઓએ પહેલા રાજકુમાર જાટની હત્યા કરી નાખી, ત્યારબાદ તેને અકસ્માત મૃત્યુમાં ખપાવવા આખી સ્ટોરી ઊભી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News