BREAKING NEWS

રાજકોટમાં પાર્ટી પ્લોટના માલિકને છરી બતાવી સોનાની માળાની લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઇ, વૃદ્ધની જાહોજલાલી જોઈ પ્લાન ઘડ્યો'તો

  • October 03, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રોડ પર આવેલ રીયલ પર્લ ફાર્મના માલિકને છરી બતાવી રૂ.૪ લાખની સોનાની માળાની લૂંટ ચલાવી બંટી-બબલી નાસી છૂટ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે બે યુવતી સહિત ચાર શખસોને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણ માસ પહેલાં રીયલ પર્લ ફાર્મમાં લગ્નમાં ગયેલ સાહિલે પાર્ટી પ્લોટના માલિક વૃધ્ધની જાહોજલાલી જોઇ તેમને લુંટી લેવાનો મનોમન પ્લાન બનાવ લીધો હતો.


માલિકના નંબર અને કારની વ્યવસ્થા કરી આપી હતી અને અજય અને સેનીલા ઉર્ફે હેતલે રેકી કરી ગુનાને અંજામ આપ્યો હતો.


બનાવ અંગે રાજકોટમાં ઘંટેશ્વર ગામમાં રહેતાં લાભુભાઈ નરસંગભાઈ હુંબલ (ઉં.વ.૭૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને રાજકોટ-જામનગર હાઈવે પર ગુજરાત ગેસ પંપની પાસે રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ આવેલ છે. અહીં પ્લોટ ભાડે રાખવાનું કહી કારમાં આવેલા મહિલા અને તેની સાથેના શખસે તક જોઈ વૃદ્ધને છરી બતાવી તેમની ચાર લાખની સોનાની માળાની લૂંટ ચલાવી હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


કુલ રૂ.૧૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

બનાવ અંગેની ગંભીરતા જોઈ ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધિકા ભારાઈની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ એમ.વી.જાડેજા, વી.ડી.રાવલિયા અને ટીમ ગુનો ડીટેક્ટ કરવા તપાસમાં હતાં તે દરમિયાન ગાંધીગ્રામ પોલીસ અને એલસીબી ઝોન-૨ ની ટીમને ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે મળેલ સયુંકત બાતમીના આધારે શીતલ પાર્ક પાસે એરપોર્ટની દિવાલ નજીકથી આરોપી રાહુલ ધનજી ચૌહાણ (ઉં.વ.રર, રહે, નવા થોરાળા શેરી નં.૦૭/૦૮નો ખુણો, કરિયાણાની દુકાનની ઉપર થોરાળા) સાહીલ ભાનુ વાઘેલા (ઉં.વ.૨૪, રહે, મનહરપુર-૦૧, કોકા કોલા ગોડાઉનની સામે જામનગર રોડ), સેનીલાબેન ઉર્ફે હેતલ અનવર ઠેબા (ઉ.વ.૧૯, રહે.હાલ, માધાપર ગામથી આગળ, ડિવાઈન સિટી સોસાયટી ખાતે ભાડેથી, ઇશ્વરિયા કાટક પહેલા) અને ચાંદનીબેન ઉર્ફે ચાર્મી રાજેશ પરમાર (ઉ.વ.૨૫, રહે.હાલ, માધાપર ગામથી આગળ, ડીવાઇન સીટી સોસાયટી ખાતે ભાડેથી, ઇશ્વરિયા ફાટક પહેલા)ને પકડી પાડી લૂંટમાં ગયેલ સોનાની માળા રૂ.૪ લાખ અને ગુનામાં ઉપયોગમાં લીધેલ કાર અને છરી મળી કુલ રૂ.૧૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


સોનાની માળા વેંચવાની પેરવીમાં હતાં

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી સાહિલ ત્રણેક માસ પહેલા રીયલ પર્લ ફાર્મમાં લગ્ન પ્રસંગે ગયો હતો અને ત્યારે તેને ફરિયાદીનાં નંબર મેળવી લીધા હતા. જે બાદ તેને આરોપી રાહુલને નંબર આપી વાત કરી હતી કે, ફાર્મના માલિક વૃદ્ધ છે અને સોનું વધારે પહેરે છે, લૂંટ કરવાં સમયે તે પ્રતિકાર કરશે નહીં તેમ કહીં ચારેય શખ્સોએ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરુ ઘડ્યું હતું. જે બાદ સાહિલે કાર ભાડે લઈ રાહુલ અને સેનીલા ઉર્ફે હેતલને આપી હતી. બાદમાં રાહુલ અને સેનીલાએ સવારમાં રેકી કરી સાંજના ગુનાને અંજામ આપ્યો હતો. બાદમાં ચારેય સાથે મળી સોનાની માળા વેંચવાની પેરવીમાં હતાં. દરમિયાન પોલીસે ઝડપી લીધા હતાં. આરોપી સાહિલ વિરુદ્ધ દારૂ-જુગારના અનેક ગુના નોંધાયેલ હોવાનું પણ ખુલ્યું છે.


આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ એમ.વી.જાડેજા, વી.ડી.રાવલીયા હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરખાન મલેક, કોન્સ્ટેબલ પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, રીનાબેન પરમાર, મિરાલીબેન કપુરીયા, પેક્ષાબેન આહિર તેમજ એલસીબી ઝોન-૨ ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમે કામગીરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News