ગુજરાતમાં 200 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. આ કેસમાં મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં કાર્યરત ગેંગ મ્યુલ એકાઉન્ટો મારફત ફ્રોડના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલતી હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ કારસ્તાનનો પર્દાફાશ ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સ અને CID ક્રાઈમે કર્યો છે. આ કેસમાં છ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
તપાસમાં આ નેટવર્કના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયબર ટીમે સમગ્ર દેશમાં ફેલાયેલા 386 સાયબર ગુનાઓ સાથે જોડાયેલા 100થી વધુ મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ કરી, પૈસાના પ્રવાહને સાત સ્તરોમાં ટ્રેક કરી રૂ.10 કરોડની રકમ પાકિસ્તાન પહોંચી હોવાનું બહાર પાડ્યું છે.
મુખ્ય આરોપી ચેતન ગંગાણીની ધરપકડ
મળતી માહિતી મુજબ, સીઆઈડી ક્રાઈમે સુરતમાંથી મુખ્ય આરોપી ચેતન ગંગાણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીએ માત્ર ચાર મહિનામાં જ આશરે રૂ.10 કરોડની રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી પાકિસ્તાની વોલેટ એડ્રેસ પર મોકલી હતી. કુલ રૂ.29 કરોડના વિદેશી વોલેટમાં આ આરોપી દ્વારા જમા કરાયેલા રૂ.10 કરોડનો સીધો ટ્રેસ મળ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 61(2), 317(2) તથા IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધાયો છે.
આ કૌભાંડમાં 6 આરોપીની ધરપકડ
લખતર APMC માર્કેટમાં શિવમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરીને સાયબર ફ્રોડના રૂ.200 કરોડ વિદેશ મોકલી આપવાના કૌભાંડમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. સાયબર સેન્ટર ફોર એક્સિલન્સની ટીમે સાયબર ફ્રોડ કૌભાંડમાં મહેન્દ્ર સોલંકી (મોરબી), રુપેન ભાટીયા (મોરબી), રાકેશ લાણીયા (લખતર), રાકેશકુમાર દેકાવાડીયા (લખતર), વિજય ખાંભલ્યા(સુરત) અને પંકજ કથિરિયા (સુરત)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 12 મોબાઈલ અને 2 સીમ મળ્યા હતા અને 100 બેંક એકાઉન્ટની માહિતી મળી આવી હતી. આ બેંક એકાઉન્ટ સામે દેશમાં સાયબર ફ્રોડની 386 ફરિયાદ થઈ છે. ઠગાઈના રૂ.12 કરોડ જમા કરાવનારા 3 આરોપીઓએ આ પૈસામાંથી મોરબીમાં સ્પા સેન્ટર શરૂ કર્યુ હતું. આરોપીઓના ભાગે આવેલા રૂ.50થી 60 લાખમાંથી 3 મહિના પહેલા સ્પા શરૂ કર્યુ હતું.
મ્યૂલ એકાઉન્ટસના માધ્યમથી સાયબર ફ્રોડના પૈસાની હેરફેર
પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના એ.આઈ.ડોડિયા અને તેમની ટીમ દ્વારા 3 નવેમ્બરના રોજ જે ડિટેક્શન કરવામાં આવ્યું હતું. આ ડિટેક્શનમાં મ્યૂલ એકાઉન્ટસના માધ્યમથી સાયબર ફ્રોડના પૈસાની હેરફેર કરવામાં આવતી હતી, જે અનુસંધાને શિવમ ટ્રેડિંગ APMC ખાતે જે પેઢી ઊભી કરવામાં આવી હતી. ત્યાના જેના નામે પ્રોપરાઈટી હતી તે મહેન્દ્ર સોલંકી તેની સાથે રુપેન ભાટિયા, માણિયા રાકેશ અને દેલવાડિયા રાકેશ આ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેની અપર લાઈનમાં વિજય ખાંભલિયા અને તેની અપર લાઈનમાં પંકજ કથિરિયા છે, જેની ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ તમામની અપર લાઈનમાં પણ એક વ્યક્તિ છે, જે દુબઈ છે. તેના વિશે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. ટીમે લખતર, મોરબી, સાવરકુંડલા અને સુરતમાં એકસાથે ઓપરેશન કરી આ તમામ લેયરને ઓળખી કાઢ્યા અને તમામની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પૈસાના ફ્લોની વાત કરીએ તો ફ્લો એ રીતે રહેતો હતો કે, જે શિવમ ટ્રેડિંગના એકાઉન્ટમાં પૈસા આવતા હતા. આ પૈસા કેશમાં વિડ્રો કરવા માટે અન્ય આરોપીઓને આપતા. ત્યારબાદ આરોપીઓ તેને મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અન્ય આરોપીને પહોંચાડતા અને છેલ્લે દુબઈથી ઓપરેટ કરતો શખસ જે એકાઉન્ટ આપે તેમાં ક્રિપ્ટોમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા.