BREAKING NEWS

જામનગર : ઉધોગો માટે મહત્વના હીરજી મિસ્ત્રી માર્ગ પર ગેપથી દુવિધાની ભરમાર

  • December 19, 2025 12:50 PM 



જામનગરમાં ઉધોગો માટે ચાવીરૂપ હીરજી મિસ્ત્રી માર્ગ પર ગેપની હારમાળાથી દુવિધાની ભરમાર જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ મૂકાયેલા ગેપ આફત સર્જી રહ્યા હોવા છતાં મહાનગરપાલિકા નિંદ્રાધીન હોય સંવેદનશીલ સરકારના દાવા પોકળ પુરવાર થઇ રહ્યા છે. માર્ગો પર ગેપથી ટ્રાફીક સમસ્યા નાસૂર બનતા શહેરીજનોની જાયે તો જાયે કહાની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે આવાગમન માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવા માટે શહેરીજનો મજબૂર બન્યા છે.


જામનગરમાં શહેરમાં ટ્રાફીકથી સતત ધમધમતા મુખ્ય માર્ગો પર ગેપમાં જંકશન ટુ જંકશન અને મેઇન રોડ ટુ ક્રોસીંગના માપદંડના નિયમો નેવે મૂકી મુખ્ય માર્ગો પર મૂકાયેલા ગેપથી ટ્રાફીક સમસ્યા કેન્સરની જેમ વકરી રહી છે તો અકસ્માતના બનાવ પણ વધતા શહેરીજનો માટે આફત બન્યા છે. ત્યારે આજકાલ દ્રારા ખાસ ઝુંબેશ શરૂ કરી ગેપના કારણે માર્ગો પર ટ્રાફીકની સમસ્યા કઇ હદે વકરી છે તેના તસ્વીર સાથેના અહેવાલ પ્રકાશીત કરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ અને ત્યારબાદ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, શરૂ સેકશન રોડ, અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટીંગ યાર્ડ અને ગુલાબનગર, જનતા ફાટક તથા સાધના કોલોનીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીનો માર્ગ તથા પવનચકકીથી દિગ્વિજય પ્લોટ એટલે કે ઓશવાળ હોસ્પિટલ સુધીના માર્ગ પર નિયમો નેવે મૂકી બનાવેલા ગેપથી ટ્રાફીક સમસ્યા નાસૂર બનતા  દરરોજ ચકકાજામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


​​​​​​​
નવાઇ સાથે દુ:ખની વાત તો એે છે કે, શહેરના અમુક મુખ્ય માર્ગો પર ગેપ રાજકીય અડચણને કારણે બુરાતા ન હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. જેના કારણે શહેરીજનો ટ્રાફીક સમસ્યાની યાતના ભોગવી રહ્યા છે. શહેરમાં ટ્રાફીકની સમસ્યા દૂષણ બની છે ત્યારે મુખ્ય માર્ગો પર માપદંડનો ઉલાળિયો કરી મનસ્વી અને અણધડ રીતે જે ગેપ મૂકવામાં આવ્યા છે તે અભિશાપ બન્યા છે અને ટ્રાફીક અને અકસ્માત સર્જી રહ્યા હોય યુઘ્ધના ધોરણે બિનજરૂરી ગેપ બુરવાનો સ્પષ્ટ મત શહેરીજનોએ વ્યકત કર્યો છે. આમ છતાં મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓ દ્રારા આંખ આડા કાન કરવામાં આવતા સંવેદનશીલ સરકારના દાવા સામે સવાલ ઉભા થયા છે. 


શહેરના મુખ્ય માર્ગ પૈકી ઉધોગો માટે ચાવીરૂપ હીરજી મિસ્ત્રી રોડ પર ગેપથી દુવિધાની ભરમાર જોવા મળી રહી છે. આ માર્ગ ઉધોગનગરમાં જવા માટે મહત્વનો છે. આટલું જ નહીં આ માર્ગની બંને બાજુ શાળા, બેંક તેમજ રહેણાંક મકાનો પણ આવેલા છે. આથી આ માર્ગ પર સતત ટ્રાફીક રહે છે. ત્યારે આ રોડ પર એક, બે નહીં ચાર ગેપથી ટ્રાફીક સમસ્યાના કારણે વાહનચાલકો માટે આવાગમન દુષ્કર બન્યું છે. આ માર્ગ ઉધોગનગરમાં જવા માટે ચાવીરૂપ હોય માલ ભરેેલા વાહનોની  અવરજવર પણ રહે છે. ત્યારે આ માર્ગ પર અણધડ ગેપથી અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે.


 નવાઇની વાત તો એ છે કે, આ માર્ગ પર પણ સર્કલ કે જયાં જુદા-જુદા ચાર માર્ગો તરફ જઇ શકાય છે. ત્યારી સર્કલ બાદ તુરંત ગેપ મૂકવામાં આવ્યા છે. જે સુવિધાને બદલે દુવિધારૂપ બન્યા છે. શહેરમાં મહાનગરપાલીકા કે જેઓ શહેરીજનો પાસે નિયમો અને જાહેરનામાની અમલવારીની અપેક્ષા રાખે છે. આટલું જ નહીં નિયમોના ભંગ બદલ દંડની સાથે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરે છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર માપદંડ અને નિયમોનો ઉલાળિયો કરી મૂકવામાં આવેલા આફતરૂપી ગેપ મામલે મનપા સામે કાર્યવાહી થશે અને કોણ કરશે તે સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application