BREAKING NEWS

સૌરાષ્ટ્રની ગૌશાળાઓને આ વર્ષે રાજકોટમાં રોડ ઉપર મંડપ નાખવા મંજૂરી નહીં અપાય

  • December 27, 2025 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા.૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત પીએમ ઉપરાંત દેશ પરદેશથી મહાનુભાવો આવનાર હોય આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની ગૌશાળાઓને શહેરના રાજમાર્ગો તેમજ ચોકમાં મંડપ નાખવાની મંજૂરી નહીં આપવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સામાન્ય રીતે દર વર્ષે તા.૧૪ જાન્યુઆરી મકરસંક્રાતિ પૂર્વે રાજકોટમાં શહેર ઉપરાંત સૌરાષ્ટ્રની વિવિધ ગૌશાળાઓના મંડપ રાજમાર્ગો તેમજ ચોકમાં ફંડ ફાળો ઉઘરાવવા માટે નાખવામાં આવતા હોય છે અને તે માટે દબાણ હટાવ વિભાગમાં અરજી કરવાથી નિઃશુલ્ક મંજૂરી આપવામાં આવતી હોય છે. તા.૧૪ જાન્યુઆરીના ચાર પાંચ દિવસ પહેલા એટલે કે તા.૮ કે ૯ જાન્યુઆરીથી ગૌશાળાઓના સેવકો મંડપ નાખતા હોય છે પરંતુ આ વર્ષે તા.૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ આ વર્ષે રાજકોટમાં યોજાનાર હોય તેથી આ વર્ષે ગૌશાળાઓને મંડપની મંજૂરી આપવામાં નથી. રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ મતલબ કે તા.૧૨ જાન્યુઆરી પછી જ મંડપ નાખી શકાશે.

વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ અંતર્ગત પ્રધાનમંત્રી તેમજ દેશ પરદેશના અનેક મહાનુભાવો પધારનાર હોય શહેરની ઇમેજ ખરડાય નહીં તેથી ચોકે ચોકમાં આવા મંડપ નાખવા મંજૂરી નહીં આપવા મૌખિક આદેશ જારી કરાયો છે. ગૌશાળાઓ ઇચ્છે તો તા.૧૩ જાન્યુઆરીથી મંડપ નાખી શકશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application