BREAKING NEWS

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના અંબિકામાં સાડા 24 ઈંચ

  • August 01, 2026 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રેડ એલર્ટની આગાહી વચ્ચે સૌથી વધુ વરસાદ સુરતના અંબિકામાં નોંધાયો છે. જ્યાં 24 કલાકમાં (ગઈકાલે સવારના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધી) સાડા 24 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ નોંધાયો છે. લગભગ ત્રણ તાલુકા એવા છે જ્યાં 16 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવ તાલુકા એવા છે જ્યાં 10 થી 15 ઈંચ જેટલો વરસાદ તૂટી પડ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, પાટણ, મહીસાગર, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વાતાવરણની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વાલીઓ તથા વિદ્યાર્થીઓને જરૂર વગર બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના 31 જુલાઈથી 1 ઓગસ્ટ 2026 (સવારે 06:00 થી સવારે 06:00 વાગ્યા) સુધીના આંકડા અનુસાર ગુજરાત રાજ્યના વિવિધ તાલુકાઓમાં વિરામ બાદ ભારે વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૧૧ મિમી (સાડા ૨૪ ઈંચ) ભારે વરસાદ ખાબક્યો છે. જેમાંથી બપોરે ૧૨ થી ૦૨ વાગ્યા દરમિયાન ૧૦૮ મિમી અને સાંજે છ થી આઠ વાગ્યા વચ્ચે ૧૭૬ મિમી જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો. તાપીના ડોલવણ તાલુકામાં પણ ૧૬.૭૩ ઈંચ (૪૨૫ મિમી) વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડા અને આણંદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો છે. ખેડાના વસો તાલુકામાં ૧૬.૩૮ ઈંચ (૪૧૬ મિમી) તથા નડિયાદમાં ૧૩.૪૩ ઈંચ (૩૪૧ મિમી) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદ તાલુકામાં ૧૦.૬૭ ઈંચ (૨૭૧ મિમી), ખંભાળતમાં ૧૦.૧૬ ઈંચ (૨૫૮ મિમી) અને બોરસદમાં ૯.૨૧ ઈંચ (૨૩૪ મિમી) વરસાદ ખાબક્યો છે. સતત વરસતા વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. નવસારીના વાંસદા તાલુકામાં ૧૬.૨૬ ઈંચ (૪૧૩ મિમી) અને નવસારી શહેરમાં ૮.૭ ઈંચ (૨૨૧ મિમી) વરસાદ થયો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૧૦.૯૪ ઈંચ (૨૭૮ મિમી) અને સબિરમાં ૧૦.૨૪ ઈંચ (૨૬૦ મિમી) વરસાદથી પહાડી નદીઓમાં નવા નીર આવ્યા છે. ભરૂચના નેત્રંગમાં ૧૩.૦૩ ઈંચ (૩૩૧ મિમી) તથા વલસાડના ધરમપુરમાં ૧૧.૦૨ ઈંચ (૨૮૦ મિમી) વરસાદ પડતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના પાલિતણામાં ૩.૯૪ ઈંચ (૧૦૦ મિમી), બોટાદના ગઢડામાં ૩.૮૬ ઈંચ (૯૮ મિમી) અને સુરેન્દ્રનગરના લખતરમાં ૩.૪૩ ઈંચ (૮૭ મિમી) વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં ૨.૯૯ ઈંચ (૭૬ મિમી) અને ગાંધીનગરના માનસામાં ૩.૩૧ ઈંચ (૮૪ મિમી) વરસાદ નોંધાયો છે. રાજ્યના ક્વાંટ, રાજકોટ, અમરેલી અને જુનાગઢ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકના ટૂંકા સમયગાળામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ ૮૮ મિમી (૩.૪૬ ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના વઢવાણમાં ૬૫ મિમી (૨.૫૬ ઈંચ), મૂળીમાં ૨૪ મિમી અને લીંબડીમાં ૨૩ મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ૭૦ મિમી (૨.૭૬ ઈંચ), ગરુડેશ્વરમાં ૫૨ મિમી (૨.૦૫ ઈંચ) અને નાંદોદમાં ૪૯ મિમી (૧.૯૩ ઈંચ) ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાવા લાગ્યા છે. મોરબી જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે, જેમાં મોરબી તાલુકામાં ૪૧ મિમી (૧.૬૧ ઈંચ) અને ટંકારામાં ૩૭ મિમી (૧.૪૬ ઈંચ) વરસાદ વરસ્યો છે. ભરૂચના ભરૂચ તાલુકામાં ૩૩ મિમી અને ઝઘડિયામાં ૩૦ મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના વિરામગામ તથા વડોદરાના શિનોરમાં ૨૭-૨૭ મિમી અને ડભોઈમાં ૨૬ મિમી વરસાદ થયો છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અતિભારે વરસાદ ધરાવતા તાલુકાઓમાં નદી-નાળાઓ ઉભરાવા લાગ્યા છે. ગાંધીનગર ખાતેથી સેન્ટ્રલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને સતત મોનિટરિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application