દર વર્ષે દેવ દેવાળિયે યોજાતી ગિરનાર લીલી પરિક્રમા આ વર્ષે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર અને સંતોએ આ નિર્ણય લીધો છે. સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજી પરંપરાને જાળવી રાખશે. કમોસમી વરસાદના પગલે પરિક્રમાના સમગ્ર રૂટ પર માઠી અસર થતાં વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો હતો. સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓના જીવનું જોખમ લેવું યોગ્ય નથી.
પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે
નોંધનીય છે કે, પરિક્રમા સ્થગિત થવા છતાં, સનાતન ધર્મની પરંપરા અને ધાર્મિક વિધિ જાળવી રાખવા માટે સાધુ-સંતો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મ પરિક્રમા કરવામાં આવશે. જે માટે પહેલી નવેમ્બરનનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. પહેલી તારીખે મુહૂર્ત કર્યા બાદ બીજી નવેમ્બર ગિરનારના સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે, જેથી પરંપરાનો લોપ ન થાય. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સતત વરસેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે.
ભારે વરસાદના કારણે ઊભી થયેલી અન્ય મુશ્કેલીઓની વાત કરીએ તો જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારા ભાવિકોને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે છે. ભીના જંગલમાં ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા અતિ મુશ્કેલ છે, જેના કારણે અન્નક્ષેત્રોને મુશ્કેલી પડે છે.