BREAKING NEWS

સોનાના ભાવમાં મોટો કડાકો: 13 મહિનાની સૌથી નીચી સપાટી પર, જાણો લેટેસ્ટ ભાવ

  • November 13, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. અમેરિકામાં મોંઘવારીનું દબાણ વધતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે તેવી આશંકાને કારણે સોનામાં ભારે વેચવાલી જોવા મળી હતી. એક જ સત્રમાં સોનાના ભાવમાં આશરે ત્રણ ટકાનો ઘટાડો થયો હતો અને ભાવ ૧૩ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૩૮૮૦ ડોલર પ્રતિ ઔંસની આસપાસ આવી ગયું હતું. ભારતીય બજારમાં પણ તેની અસર જોવા મળી હતી. ગુરુવારે દેશના સરાફા બજારમાં સોનાના ભાવમાં આશરે રૂ. ૩ હજારનો ઘટાડો થયો હતો અને ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧,૩૭,૬૯૨ થયો હતો.


મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ગુરુવારે રાત્રે સોનાનો ભાવ ૧૦ ગ્રામદીઠ આશરે રૂ. ૧.૩૬ લાખની આસપાસ બંધ થયો હતો. ચાંદીમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. એક્સચેન્જમાં ચાંદીનો ભાવ ઘટીને રૂ. ૧,૭૮,૮૪૮ પ્રતિ કિલો થયો હતો. સરાફા બજારમાં ચાંદી રૂ. ૪૮૬૦ ઘટીને રૂ. ૧,૮૧,૦૪૦ પ્રતિ કિલો રહી હતી.


સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર ગણાય છે. પ્રથમ કારણ અમેરિકામાં મોંઘવારીનું દબાણ છે. મોંઘવારી ઊંચી રહેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ધારણા મજબૂત બની છે.


બીજું કારણ અમેરિકાના સરકારી બોન્ડ પર મળતા વળતરમાં થયેલો વધારો છે. ગુરુવારે કેટલાક અમેરિકન ટ્રેઝરી બોન્ડના વળતરમાં ૧૨ બેસિસ પોઇન્ટથી વધુનો વધારો નોંધાયો હતો. બોન્ડ પર વધુ વળતર મળતું હોય ત્યારે વ્યાજ ન આપતા સોનામાં રોકાણનું આકર્ષણ ઘટે છે.


ત્રીજું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તણાવ છે. આ તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ આશરે ૯૬ ડોલર સુધી પહોંચ્યો હતો. ક્રૂડના ભાવ વધવાથી વૈશ્વિક મોંઘવારી વધુ વધવાની આશંકા છે.


ડિસેમ્બરમાં અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરી શકે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે. કેટલાક રોકાણકારો ૦.૫૦ ટકાના વધારાની શક્યતા પણ જોઈ રહ્યા છે. જોકે શુક્રવારે સવારે સોનામાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૩૮૮૧.૦૨ ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી ૫૦.૧૧ ડોલર પ્રતિ ઔંસની આસપાસ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application