વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈ સર કરી રહેલા સોના અને ચાંદીમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ તળિયે બેસી ગયા છે.
સોનામાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો. લાંબા સમય બાદ આજે સોનું એકઝાટકે ૨૯૪૩ રૂપિયાથી વધુ તૂટીને દોઢ લાખથી અંદર પહોંચી ગયું હતું હતું. સોનું અગાઉના સત્રમાં રૂ. 1,52,443.00 ના સ્તર પર બંધ થયું હતું. આજે બજાર ખુલતાની સાથે જ સોનું જોરદાર કડાકા સાથે રૂ.1,49,926.00 પર ઓપન થયું હતું, એટલે કે તે સીધું રૂ.1.50 લાખની સપાટીની નીચે સરકી ગયું હતું.
બીજી તરફ, ચાંદીના વાયદા બજારમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું છે. ચાંદીમાં આજે કુલ 5128 રૂપિયા સુધી એકઝાટકે તૂટી હતી જે 2,33,400ના સ્તરે પહોંચી ગઈ હતી . ચાંદી અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 2,38,528.00 ના સ્તરે બંધ થઈ હતી.
બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી અનિશ્ચિતતા, ઈરાન અને ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતા અને નફાખોરી (Profit Booking) ના કારણે બજારમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના લીધે લાંબા ગાળાના રોકાણકારો માટે નીચલા ભાવે ખરીદી કરવાની નવી તક પણ ઊભી થઈ શકે છે.