BREAKING NEWS

રાજકોટના બે વેપારીઓનું 60.98 લાખના સોનાની ઠગાઈ, કારીગર સામે ગુનો નોંધાયો

  • December 30, 2025 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સોની બજારમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા વેપારીઓ દ્વારા દાગીના બનાવવા માટે આપેલા સોના ચાંદી સાથે કારીગરો નાસી છૂટવાના બનાવો નું પ્રમાણ વધી રહ્યું છે તેવો જ વધુ એક ગુનો એડમિશન પોલીસ મથકમાં નોંધાયો હતો જેમાં સોની બજારમાં રાઘવ કુંજ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા બે વેપારીનું કુલ ૪૭૩.૫ ગ્રામ ૨૨ કેરેટ સોનું કિમત ૬૦,૯૮,૬૮૦ લઈને પશ્ચિમ બંગાળનો કારીગર ફરાર નાશી છૂટતા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ,રાજકોટ લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા અને સોની બજારની બોઘાણી શેરીમાં 'રાઘવ કુંજ કોમ્પ્લેક્ષ'માં ૨૦૧ નંબરની દુકાન ધરાવતા જીતેશભાઈ શાંતિલાલ રાણપરા ઉ.વ. ૪૫ નામના સોની વેપારીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મૂળ બંગાળના સોનાના દાગીના બનાવવાનું કામ કરતા કારીગર બાદશાહ શેખ સામે ફરિયાદ કરી હતી જેમાં છેલ્લા એક વર્ષથી પશ્ચિમ બંગાળનો વતની શેખ બાદશાહ રહે. ચંદનનગર, જી. હુગલી વાળા સાથે કમિશન પર દાગીના બનાવવાનું કામ કરતા હતા.તા. ૦૫/૧૦/૨૦૨૫ ના રોજ સોની વેપારી જીતેશભાઇએ શેખ બાદશાહને ૨૩૫.૫ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું.

જે દાગીના પાંચ દિવસમાં બનાવી પરત આપવાનો વાયદો કર્યો હતો. જોકે મુદત પૂરી થવા છતાં કારીગર દુકાને આવ્યો નહોતો જેથી વેપારીએ કારીગરને ફોન કર્યો ત્યારે તેણે કહેલ કે સવારે દુકાને આવી જઈશ ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો.

જેથી આશંકા જતાં જીતેશભાઇએ તેના ઘરે તપાસ કરી તો ત્યાં તાળું લટકતું જોવા મળ્યું હતું. આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કારીગર રાતોરાત પોતાનો સામાન ભરી પોબારા ભણી ગયો હોવાનું ધ્યાને આવતા જીતેશભાઈ સોની બજારમાં તપાસ કરતા સામે આવ્યું કે, શેખ બાદશાહ અન્ય એક તેમની દુકાન ઉપરની દુકાન નં. ૩૦૫માં કામ કરતા નાજીમુદ્દીન શેખ નામના વેપારીનું પણ ૨૩૮ ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે.

આરોપી બે વેપારીઓનું કુલ ૪૭૩.૫ ગ્રામ સોનું કિંમત રૂ. ૬૦.૯૮ લાખ સેરવી ગયો હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ પીએસઆઇ એસ આર ચાવડાએ આરોપીને ઝડપી લેવા તપાસનો દોર આગળ ધપાવ્યો છે.


સોનાના ભાવ આસમાને પહોંચતા વેપારીઓએ સાવચેતી રાખવી જરૂરી

રાજકોટમાં સોના અને ચાંદીના દાગીના બનાવવામાં પશ્ચિમ બંગાળ ના કારીગરો મોટી સંખ્યામાં હોય હાલના સંજોગોમાં સોના અને ચાંદીમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે રાતોરાત સોના ચાંદીના ભાવમાં જબરો ઉછાળો દેખાતા સોની વેપારીઓએ કારીગરોને દાગીના બનાવવા માટે આપવામાં આવતું સોનું અને ચાંદી જે કારીગર ને આપે છે તેના અંગે ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે સોના ચાંદીમાં તેજીના લીધે કારીગરો સોનું લઈ નાસી છૂટવાના બનાવો વધવાની પૂરેપૂરી શક્યતાઓ નજરે પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application