BREAKING NEWS

વૈષ્ણો દેવીના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર: હવે મળશે ₹10 લાખનું મફત વીમા કવચ; કટરામાં નિર્માણ પામશે ભવ્ય ‘શક્તિ સંગ્રહાલય’

  • February 08, 2026 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી ‘શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ’ની બેઠકમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓનો પિટારો ખોલવામાં આવ્યો છે. આ બેઠકમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો મુજબ, હવે યાત્રાએ આવતા ભક્તોને ₹10 લાખનું વીમા કવચ મફત મળશે. આ ઉપરાંત, કટરામાં આધ્યાત્મિક વારસાને જીવંત રાખવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના મ્યુઝિયમ અને આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શોની પણ જાહેરાત કરવામાં આવી છે.


શ્રદ્ધાળુઓ માટે ₹10 લાખનું સુરક્ષા કવચ
વૈષ્ણો દેવીના દરબારમાં હાજરી આપવા આવતા લાખો ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દરેક શ્રદ્ધાળુને ₹10 લાખનું મફત વીમા કવચ આપવામાં આવશે. આ પગલું યાત્રા દરમિયાન કોઈપણ અપ્રિય ઘટના કે અકસ્માત સામે ભક્તો અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી પાડશે. આ સાથે જ બોર્ડના કર્મચારીઓના કલ્યાણ માટે પણ અનેક પ્રોત્સાહક નિર્ણયો લેવાયા છે.


માતા વૈષ્ણો દેવીના આધાર શિબિર ગણાતા કટરામાં ભક્તો માટે એક નવું આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. માતાજીની શક્તિ અને આધ્યાત્મિક વારસાને સમર્પિત એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવશે. આ મ્યુઝિયમ કટરાના નટાલી વિસ્તારમાં બનાવવામાં આવશે. બોર્ડે ‘એશિયન હેરિટેજ ફાઉન્ડેશન’ના સહયોગથી તેના નિર્માણની પ્રારંભિક રૂપરેખાને મંજૂરી આપી દીધી છે.


આ કેન્દ્ર માત્ર ધાર્મિક જ નહીં, પણ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ વિકસિત થશે, જ્યાં આવનારી પેઢી માતાજીના મહિમા વિશે જાણી શકશે. આ પ્રોજેક્ટ આગામી થોડા મહિનાઓમાં શરૂ થશે અને તેને આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application