યુએસ ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડા પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પીએમ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રૂપિયાના ઘટાડા અંગે તેમને કરેલા જૂના નિવેદનોનો આશરો લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા.
તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે વિરોધ પક્ષો સંસદના શિયાળુ સત્રમાં રૂપિયાના અવમૂલ્યન અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા એકંદર આર્થિક પડકારોનો મુદ્દો ઉઠાવશે અને ગૃહમાં ચર્ચાની માંગ કરશે. જયરામે X પર એક પોસ્ટમાં પીએમ મોદી દ્વારા ડોલર સામે રૂપિયાના 90 ની નજીક પહોંચવાનો મુદ્દો ઉઠાવતો 2013નો વીડિયો પણ શેર કર્યો હતો.
આ વીડિયોમાં, તેમણે યુપીએ સરકારની તત્કાલીન મનમોહન સિંહ સરકારની રૂપિયાના અવમૂલ્યન માટે આકરી ટીકા કરતા કહ્યું હતું કે,રૂપિયાનું મૂલ્ય કેટલી ઝડપથી ઘટી રહ્યું છે. ક્યારેક એવું લાગે છે કે દિલ્હી સરકાર અને રૂપિયા વચ્ચે કોની પ્રતિષ્ઠા ઝડપથી ઘટી રહી છે તે અંગે સ્પર્ધા ચાલી રહી છે.જયરામે કટાક્ષમાં પૂછ્યું હતું કે શું વડાપ્રધાનને યાદ હશે કે તેમણે ત્યારે શું કહ્યું હતું. જયરામ પહેલા પણ કોંગ્રેસના કેટલાક નેતાઓએ રૂપિયાના ઘટાડાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
ભારતીય રૂપિયો સદી સુધી પહોચવા જઈ રહ્યો છે: દિગ્વિજય સિંહની ટકોર
પાર્ટીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ દિગ્વિજય સિંહે એક દિવસ પહેલા કહ્યું હતું કે ગુજરાત શાસન મોડેલને કારણે, ભારતીય રૂપિયો હવે સદી સુધી પહોંચવા જઈ રહ્યો છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં, તે બધા 'પ્રખ્યાત' અર્થશાસ્ત્રીઓ જે સામાન્ય માણસ માટે 'સારા દિવસો' લાવી રહ્યા હતા જેથી દરેક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીને, દર વર્ષે બેરોજગારોને બે કરોડ નોકરીઓ આપીને, સસ્તા દરે પેટ્રોલ અને ડીઝલ વેચીને અને રૂપિયાને ડોલર કરતા મજબૂત બનાવીને ભારતને 'વિશ્વ નેતા' બનાવી શકાય, તેઓ હવે ક્યાં છુપાઈ રહ્યા છે? તેમને હવે વચનો પાળી બતાવવા જોઈએ.