તારીખ 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત સરકારે કરી હતી. પરંતુ હજુ સુધી મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવી નથી અને ક્યારે શરૂ કરવામાં આવશે તેના હજુ કોઈ ઠેકાણા નથી.
જિલ્લામાં 29 સેન્ટરોમાં 4030 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 1,77,008 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હાલ જે રીતે ગોકળગાયની ગતિએ મગફળી ખરીદીની કામગીરી ચાલે છે તે જોતા આમ જ ચાલશે તો ત્રણ મહિના સુધી પણ તે કામગીરી પૂરી થાય તેવું લાગતું નથી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ગત તા. ૦૯ નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ ૨૯ કેન્દ્રો પરથી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે.
જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે અત્યાર સુધીમાં કુલ ૧,૭૭,૦૦૮ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ખરીદીની શરૂઆતથી આજદિન સુધીમાં ૪,૦૩૦ ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી ૯૪,૪૪,૬૮૦ કિલોગ્રામ (૯૪,૪૪૬.૮ ક્વિન્ટલ) મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને મગફળીના પ્રતિ ક્વિન્ટલ રૂ. ૭,૨૬૩ ટેકાના ભાવ ચૂકવવામાં આવે છે. જિલ્લામાં મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી પણ આગામી એક-બે દિવસમાં શરૂ કરવામાં આવશે.