એનસીસીએફના ગોડાઉનમાં પડેલી મગફળી વેચવા ઈ -હરાજી કરાશે: રજીસ્ટ્રેશન શરૂ
ભૂતકાળમાં અગાઉ કદી ન થયું હોય તેટલું મગફળીનું વિપુલ ઉત્પાદન આ સિઝનમાં થયું હોવા છતાં સિંગતેલના ભાવ છેલ્લા ત્રણ વર્ષની ઊંચી સપાટી સુધી પહોંચી ગયા હતા. આખરે સરકાર હવે ચિત્રમાં આવી છે અને ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાંથી સાત લાખ ટન મગફળી વેચવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાત પછી હવે સિંગતેલના ભાવ વધારાને બ્રેક લાગી છે એટલું જ નહીં તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે. આજે એક જ દિવસમાં સીંગતેલમાં રૂપિયા 30 નો ઘટાડો થયો છે.
ગુજરાત સરકાર દ્વારા ભૂતકાળમાં કદી ન કરી હોય તેટલી વિક્રમસર્જક ખરીદી મગફળીની ટેકાના ભાવે કરી છે ચાલુ વર્ષે સરકારે કુલ 18 લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી છે. આમાંથી નાફેડે 10.50 લાખ ટન અને નેશનલ કો ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા (દિલ્હી) દ્વારા સાડા સાત લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી છે.
નાફેડ અને એનસીસીએફ દ્વારા ટેકાના ભાવે કરવામાં આવેલી મગફળીની ખરીદીમાંથી હવે સાડા સાત લાખ ટનમાંથી સાત લાખ ટન મગફળીનું ખુલ્લા બજારમાં વેચાણ કરવા માટેની જાહેરાત એનસીસીએફ દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાતના અનુસંધાને વેપારીઓ અને મિલરો જો આ મગફળી ખરીદવા માંગતા હોય તો બીડ ભરી શકશે. હરાજીની પ્રક્રિયા ઈ ઓકશન સિસ્ટમથી કરવામાં આવનાર છે. રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે.
વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ એનસીસીએફ દ્વારા જે મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી છે તે ભાવનગર જામનગર અને દ્વારકાના જિલ્લાના છ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવી છે. સંગ્રહ કરેલી આ મગફળી વેચવામાં આવશે. 2024 માં જ્યારે એનસીસીએફ દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળી બજારમાં વેચવા મૂકી ત્યારે રૂપિયા 6,700 થી રૂપિયા 6,800 સુધીનો ભાવ મળ્યો હતો. 2025 માં રૂપિયા 7,000 થી નીચા ભાવે એનસીસીએફ મગફળી વેચે તેવું લાગતું નથી અને તેના કારણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં વેપારીઓ અને મિલરોમાં મોટાભાગનો વર્ગ 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ અત્યારે અપનાવીને બેઠો છે. જો કે અમુક વેપારીઓએ 5, 500 થી માંડી રૂપિયા 8087 સુધીનો ભાવ ભરેલો છે.
ટેકાના ભાવે ખરીદેલી મગફળી વેચાણની એનસીસીએફની જાહેરાત સાથે જ તેલમાં અને તેમાં પણ ખાસ કરીને સિંગતેલમાં કામકાજ મંદ થઈ ગયા છે. ભાવ ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં તે વધુ ઘટશે તેવી આશા છે.
વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ નાફેડે હજુ મગફળી ખુલ્લા બજારમાં વેચવાની કોઈ જાહેરાત કરી નથી અને તેના કારણે તેલમાં સટ્ટાનો ખેલ કરવા ઇચ્છતા લોકો મૌન ધારણ કરીને બેસી ગયા છે. કારણ કે જ્યારે નાફેડ બજારમાં મગફળી વેચવાની જાહેરાત કરશે ત્યારે મગફળીના, સીંગદાણાના અને સીંગતેલના ભાવમાં પણ મોટા ઘટાડાની શક્યતા છે.