BREAKING NEWS

ગુજરાતના 49.31 લાખ ખેડૂતો માટે ખુશખબરી, સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો રિલીઝ કર્યો

  • November 19, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતો પર તાજેતરમાં આવી પડેલી અસાધારણ કમોસમી વરસાદની આપત્તિથી થયેલા નુકસાનમાંથી તેમને બેઠા કરવા આ ડબલ એન્જિન સરકારે ખૂબ જ ઝડપથી રૂ. ૧૦ હજાર કરોડનું ઉદારતમ સહાય પેકેજ આપ્યું છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી દેશના કિસાનો માટે રિલીઝ કર્યો તેના ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ રાજ્યના ખેડૂતોએ નિહાળ્યુ હતું.


વડાપ્રધાને આ અવસરે દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતોને ૨૧માં હપ્તા પેટે ૧૮ હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી. ગુજરાતના ૪૯.૩૧ લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત ૯૮૬ કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ ૧૧.૬૮ લાખ રૂપિયાથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા અનેક કલ્યાણકારી યોજનાઓ આપી છે. એટલુ જ નહીં, ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન કવર વધારીને સુરક્ષા આપવાનો અભિગમ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનોથી અપનાવ્યો છે. 


મુખ્યમંત્રીએ રસાયણયુક્ત ખેતીથી જમીન અને માનવ બંનેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેના ઉપાયરૂપે વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીનો અપનાવવાનો જે ખ્યાલ આપ્યો છે તે ભવિષ્યની પેઢીના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તથા જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીને ભવિષ્યની ખેતી છે  ગણાવતાં આ ખેતી અપનાવવી એ હવેના સમયની માંગ છે તેમ ઉમેર્યુ હતું.
  

ભૂપેન્દ્ર પટેલે બીજથી બજાર સુધીના દરેક તબક્કે વડાપ્રધાન ખેડૂત હિતલક્ષી નિર્ણયોથી તેની પડખે રહ્યા છે તેમ જણાવતાં કહ્યું કે, આ વર્ષના બજેટમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ 6 વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરીને ‘જે કહેવું તે કરવું’ પુરવાર કર્યું છે. 


ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે ગુજરાતના લગભગ ૯૮ ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતોને પૂરતું પાણી અને વિજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર સમગ્રતયા બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે. વડાપ્રધાને ગુજરાતમાં ૨૦૦૫માં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવથી રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ખેતરમાં સામે ચાલીને જઈને કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કરીને કેવી રીતે વધુ આવક મળે, એ બધી સમજ આપે છે અને લેબ ટુ લેન્ડનો એપ્રોચ સુપેરે સાકાર થયો છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 


આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું  હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરહંમેશ ખેડૂતોની ચિંતા કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે તેમણે ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે, જેને આજે રાજ્યના નિખાલસ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. કૃષિ મંત્રી વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તામિલનાડુ ખાતેથી આજે 'પી.એમ. કિસાન સમ્માન નિધિ' યોજનાના ૨૧મા હપ્તાનું વર્ચ્યુઅલ માધ્યમથી વિતરણ કરવામાં આવ્યું છે, તેમાં રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગ્રામ પંચાયત, એપીએમસી વગેરેમાંથી અંદાજે ૩ લાખ જેટલા ખેડૂતો ઓનલાઈન માધ્યમથી જોડાયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application