ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજ્યમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. વન સંરક્ષક કચેરી દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, ગુજરાતના 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની એકસાથે બદલી કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી ગણતરીઓ અને વહીવટી સરળતાને ધ્યાને રાખીને લેવાયેલા આ નિર્ણયથી વન વિભાગમાં મોટો ગંજીપો ચીપાયો છે.
આ બહોળા પ્રમાણમાં થયેલી બદલીઓમાં સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોના મહત્વના અધિકારીઓનો સમાવેશ થાય છે:
અરવિંદ ભાલિયા: જૂનાગઢથી બદલી કરીને તેમને ધોળકા ખાતે નવી જવાબદારી સોંપાઈ છે.
દક્ષાબેન સોરઠિયા: ધ્રોલથી તેમની બદલી સિક્કા ખાતે કરવામાં આવી છે.
કિશોરસિંહ બારડ: વલ્લભીપુરથી ખસેડીને તેમને બોટાદ મુકાયા છે.
દિપકસિંહ જાડેજા: ગોંડલથી બદલી કરીને તેમને કાલાવડ ખાતે નિમણૂક અપાઈ છે.
મનુ ભરવાડ: જસદણથી તેમની બદલી માંડલ ખાતે કરવામાં આવી છે.
હિરેન રતનપરા: સાસણ ગીરના મહત્વના વિસ્તારમાંથી તેમની બદલી જેતપુર ખાતે કરાઈ છે
જૂનાગઢ વન વર્તુળમાં આંતરિક ફેરફાર
વન સંરક્ષક (વહીવટ), જૂનાગઢ વન વર્તુળ દ્વારા પણ ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ એક અલગ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં એસ. ડી. તિલાવતને વંથલીથી મેંદરડા, એસ. એમ. ખોખરને મેંદરડાથી તાલાલા વન્યપ્રાણી રેન્જ અને ડી. પી. ઝાલાને તાલાલાથી વંથલી ખાતે બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેશોદના બી. એસ. ડાભીને જૂનાગઢ એક્સ્ટેંશન રેન્જમાં અને એ. જે. રાઠોડને જૂનાગઢથી કેશોદ ખાતે મૂકવામાં આવ્યા છે.
આ બદલીઓના આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો રહેશે. રાજ્યભરમાં એકસાથે થયેલી આટલી મોટી સંખ્યામાં બદલીઓને કારણે વન વિભાગના માળખામાં મોટા ફેરફારો જોવા મળશે.