ગઈકાલથી રાજકોટ જિલ્લાના બે દિવસના પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈ કાલ સાંજથી આજે સવાર સુધી ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે પસાર કર્યો હતો. ગઈકાલે ગામમાં પહોંચ્યા પછી યુવાનો અને ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. યુવાનોને વ્યસનોથી મુક્ત રહેવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે રાજ્યપાલે સમજાવ્યા હતા.
રાત્રે ગામના અનુસૂચિત જાતિના પરિવારને ત્યાં રાજ્યપાલે કાઠીયાવાડી ભોજન લીધું હતું઼ રોટલા -રોટલી, બટેટા ગાજર વાલ અને લીલા તુવેરનું મીક્સ શાક, દાળ- ભાત જેવું સાદું ભોજન રાજ્યપાલે લીધું હતું. રાત્રી રોકાણ ગામની પ્રાથમિક શાળામાં કર્યું હતું અને સવારે શાળાના બાળકો સાથે યોગ કર્યા હતા.
સવારે બાળકો સાથે યોગ કર્યા પછી રાજ્યપાલ એક ખેડૂતના ખેતરમાં ગયા હતા અને ત્યાં ગાય દોહવા સહિતની ખેડૂતની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી હતી. બાદમાં રાજ્યપાલ સવારે 10:30 વાગ્યે ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે પહોંચ્યા હતા અને ત્યાં ગીર ગૌ જતન સંસ્થાન દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સંદર્ભે યોજાયેલા પરિસંવાદને સંબોધન કર્યું હતું.
રાજ્યપાલની બે દિવસની મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પોલીસ વડા વિજય ગુર્જર અને લુણીવાવ ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ રૂપારેલીયા સાથે રહ્યા હતા.