રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ માટે રાજકોટ શહેર અને જિલ્લાના મહેમાન બન્યા છે. સવારે 11:00 વાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા 60 માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ પહોંચ્યા ત્યારે તેને પોલીસ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પદવિદાન સમારોહ પૂરો કરીને સાંજે રાજ્યપાલ ગોંડલ તાલુકાના લુણીવાવ ખાતે પહોંચ્યા હતા. અહીં વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન ખાટલા પરિષદ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે લુણીવાવના ગ્રામ્યજનના ઘરે ભોજન લઈને ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કરશે.
તારીખ 26 ના રોજ આવતી કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લુણીવાવ ગામે ગૌ દોહન કરશે અને સ્થાનિકો સાથે વાતચીત કરીને પ્રાકૃતિક ખેતી બાબતે સમજ આપશે.
આવતીકાલે ગોંડલ તાલુકાના લુણાવાડા ગામે કાર્યક્રમ પૂરો કરીને વોરાકોટડા ગામે ગવર્નર જશે. ત્યાં ગીર ગૌ જતન સંસ્થાના ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક ખેતી સંવાદના કાર્યક્રમમાં ગાય, ગામડું અને કુદરતી ખેતી બાબતે સ્થાનિક ખેડૂતોને માહિતી આપશે. આ નિમિત્તે એક પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગવર્નરની રાજકોટ શહેર અને જિલ્લાની બે દિવસની મુલાકાતને ધ્યાનમાં રાખી પ્રોટોકોલ મુજબ સરકારી તરફ તંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળોએ એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર મેડિકલ ટીમ અને પોલીસ બંદોબસ્ત જેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.