શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'નો અત્યંત દબદબાભેર પ્રારંભ થયો છે. સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતા એવા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં આ વર્ષે જન્મોત્સવની ઉજવણીએ ભવ્યતાની તમામ સીમાઓ ઓળંગી છે. આજે વહેલી સવારથી જ દાદાના જન્મોત્સવને વધાવવા માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે.
આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ દાદાને અર્પણ કરવામાં આવેલા નૂતન સુવર્ણ વાઘા છે. હનુમાનજી મહારાજને આજે આઠ કિલો શુદ્ધ સોનામાંથી બનેલા આલૌકિક વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘાની બનાવટમાં કલા અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળે છે. તેને તૈયાર કરવા માટે અંદાજે 100 જેટલા નિષ્ણાત સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટોએ સતત 1050 કલાક સુધી મહેનત કરી છે.

આ સુવર્ણ વાઘામાં માત્ર સોનું જ નહીં, પરંતુ રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા પણ જડવામાં આવ્યા છે. પ્રાચીન અને અર્વાચીન શૈલીના મિશ્રણ સાથે તૈયાર કરાયેલા આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને બારીક ફિલિગ્રી વર્ક કરવામાં આવ્યું છે. સંતોના માર્ગદર્શન હેઠળ એક વર્ષની લાંબી પ્રક્રિયા બાદ આ વાઘા તૈયાર થયા છે, જેમાં દાદાનું રૂપ અત્યંત મનમોહક અને તેજસ્વી દેખાઈ રહ્યું છે.
સાળંગપુરધામમાં હનુમાન જયંતીની આ ઉજવણી માત્ર એક ધાર્મિક પ્રસંગ નહીં, પણ શ્રદ્ધા, કલા અને સમર્પણનો અદ્ભુત ઉત્સવ બની રહી છે. 'કિંગ ઓફ સાળંગપુર'ના આંગણે ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે દાદા પ્રત્યેની તેમની અતૂટ આસ્થાની પ્રતીતિ કરાવે છે.

એક લાખ ફુગ્ગાઓ ઉડાડવામાં આવ્યા
આજે હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી સાથે જ મહોત્સવની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 7 વાગ્યે ભવ્ય શણગાર આરતી યોજાઈ હતી, જેમાં દાદાના સુવર્ણ વાઘાના પ્રથમ દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે દાદાના પ્રાગટ્યને વધાવવા માટે 151 કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી. એટલું જ નહીં, મંદિર પરિસરમાં એક લાખ બલૂન ડ્રોપિંગ (ફુગ્ગાઓની વર્ષા) કરીને ભક્તોમાં આનંદનો ઉમંગ ફેલાવવામાં આવ્યો હતો. આકાશમાં આતશબાજી અને હર્ષનાદ સાથે દાદાના જન્મોત્સવની ભવ્યતામાં વધારો થયો હતો.

વિશ્વ શાંતિ માટે મારૂતિ યજ્ઞ
ધાર્મિક વિધિઓના ભાગરૂપે આજે સવારે 7 વાગ્યાથી 'વિશ્વ શાંતિ મારૂતિ યજ્ઞ'નો પ્રારંભ થયો છે. આ સામૂહિક વૈદિક યજ્ઞમાં 1000 થી વધુ ભક્તોએ આહુતિ આપીને વિશ્વના કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞશાળાના પવિત્ર મંત્રોચ્ચારથી સમગ્ર સાળંગપુરધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક યજ્ઞમાં જોડાઈને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.

કિંગ ઓફ સાળંગપુર પાસે મહાઆરતીનું આયોજન
ઉત્સવની શરૂઆત તો ગઈકાલે બુધવારથી જ થઈ ગઈ હતી. પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજનદેવનું ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે 'કિંગ ઓફ સાળંગપુર'ની વિશાળ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. મધરાતે જેમ જ જન્મોત્સવનો સમય નજીક આવ્યો, તેમ આકાશ શાનદાર આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. હજારો ભક્તોએ એકસાથે દાદાની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી.
ભક્તોનું ઘોડાપૂર અને સુરક્ષા વ્યવસ્થા
દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતના ખૂણેખૂણેથી અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો સાળંગપુર પહોંચ્યા છે. મંદિર ખુલતાની સાથે જ 'જય કષ્ટભંજન'ના નાદ સાથે આખું સંકુલ ગુંજી ઉઠ્યું છે. ભક્તોની ભીડને જોતા મંદિર પ્રશાસન અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી દર્શનમાં કોઈ અગવડતા ન પડે.

સાંજે સાત વાગ્યે મહા આરતી થશે
આજે સાંજની આરતી પણ વિશેષ રહેવાની છે. સાંજે 7 કલાકે સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં નાસિકના પ્રખ્યાત તાસા ગ્રુપ અને ઢોલ-નગારાના નાદ સાથે સામુહિક આરતી કરવામાં આવશે. હજારો દીવડાઓના પ્રકાશ અને ફરી એકવાર ભવ્ય આતશબાજી સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ તરફ આગળ વધશે.