BREAKING NEWS

રાજકોટમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: 'જય બજરંગબલી'ના નાદ સાથે મંદિરો ગુંજ્યા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, તસવીરોમાં કરો દાદાના વિશેષ શૃંગારના દર્શન

  • April 02, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે રંગીલા રાજકોટમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના નાના-મોટા તમામ હનુમાન મંદિરોમાં દાદાના જન્મોત્સવને વધાવવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રાજકોટના ખૂણે-ખૂણે આવેલા શ્રદ્ધાના કેન્દ્રો પર સવારથી જ લાંબી કતારો અને 'હનુમાન ચાલીસા'ના પાઠના ગુંજારવથી વાતાવરણ પવિત્ર બની ગયું છે.


પેડકરોડ પર 'બાલક હનુમાન' મંદિરે વિશેષ આયોજન

શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડકરોડ પર આવેલું સુપ્રસિદ્ધ અને આશરે 45 વર્ષ જૂનું 'બાલક હનુમાન મંદિર' આજે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હનુમાન જયંતી મહોત્સવ નિમિત્તે અહીં વહેલી સવારે મંગળા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ ખાસ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિનું પણ આયોજન કરાયું છે. બપોરે 3 વાગ્યા સુધી અહીં વિશાળ પાયે બટુક ભોજન કરાવવામાં આવશે. વર્ષો જૂની આસ્થા ધરાવતા આ મંદિરે ભક્તોની ભીડને જોતા સ્વયંસેવકો દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


સાત હનુમાન અને બાલાજી મંદિરે ભક્તોનો મહેરામણ

કુવાડવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ 'સાત હનુમાન મંદિર' ખાતે પણ સવારથી જ ઉત્સવનો માહોલ છે. અહીં સાત હનુમાનજીની મૂર્તિઓના વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. ભક્તો દૂર-દૂરથી દાદાના દર્શન કરવા અને તેલ-સિંદૂર અર્પણ કરવા ઉમટી રહ્યા છે.


તેવી જ રીતે, કરણપરા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક બાલાજી હનુમાન મંદિર ખાતે પણ ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. બાલાજી દાદાને આજે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.


ધાર્મિક કાર્યક્રમોની હારમાળા

રાજકોટના અન્ય વિસ્તારો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને ભક્તિનગર સર્કલ પાસે આવેલા હનુમાન મંદિરોમાં પણ સવારથી મહાપૂજા, હનુમાન ચાલીસાના અખંડ પાઠ અને સુંદરકાંડના આયોજનો કરવામાં આવ્યા છે. સાંજની મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે. હનુમાન જયંતીના આ પર્વે રાજકોટવાસીઓ ભક્તિના રંગે રંગાયા છે અને દાદા પાસે સુખ-શાંતિની પ્રાર્થના કરી રહ્યા છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application