BREAKING NEWS

PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, એકતા પરેડ યોજાઈ, વડાપ્રધાને લોકોને એકતાના શપથ લેવડાવ્યા

  • October 31, 2025 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ છે. જેને લઈને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સૌ પ્રથમ નરેન્દ્ર મોદીએ સવારે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં એકતા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન થોડીવારમાં દેશને એકતા દિવસ નિમિત્તે સંબોધન કરશે. 


પરેડમાં સુરક્ષા દળોની 16થી વધુ બટાલિયને ભાગ લીધો હતો

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs): BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) CRPF (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ) CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ) ITBP (ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ) SSB (સશસ્ત્ર સીમા બળ)
રાજ્ય પોલીસ દળો અને અન્ય: આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, આંધ્રપ્રદેશ, NCC (નેશનલ કેડેટ કોર્પ્સ)

આ વિશાળ અને બહુવિધ પ્રતિનિધિત્વ ધરાવતી પરેડે સરદાર પટેલના અખંડ ભારતના વિઝન અને રાષ્ટ્રની સંયુક્ત શક્તિને મૂર્તિમંત કરી હતી.​​​​​​​


રાષ્ટ્રીય એકતા પરેડમાં અનોખું આકર્ષણ

ગુજરાત પોલીસની ઘોડા ટુકડી: રાજ્ય પોલીસના જવાનો ઘોડા પર સવાર થઈને પરેડમાં ગૌરવભેર જોડાયા હતા.
BSF ઊંટ ટુકડી: ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF)ની પ્રખ્યાત ઊંટ ટુકડીએ પણ ભાગ લીધો હતો, જે પશ્ચિમી સરહદો પરની સુરક્ષાનું પ્રતીક છે.
BSF ઊંટ પર સવાર બેન્ડ: આકર્ષણના કેન્દ્રમાં BSFનો બેન્ડ પણ હતો, જે ઊંટ પર સવાર થઈને સંગીતમય પ્રદર્શન કરી રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા નગર ખાતે યોજાયેલી ભવ્ય 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિશાળ પરેડમાં 16થી વધુ બટાલિયને ઉત્સાહભેર ભાગ લીધો છે, જેમાં CRPF અને BSFના શૌર્ય પુરસ્કાર વિજેતાઓ પણ સામેલ હતા. આ વિશાળ બટાલિયનોની ભાગીદારી ભારતના વિવિધ સુરક્ષા દળો વચ્ચેની મજબૂત એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જાળવવાના સામૂહિક સંકલ્પને પ્રદર્શિત કરે છે.


ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વાજે એકતા નગર ખાતે લીડ કર્યું ગાર્ડ ઓફ ઓનર

વડાપ્રધાન મોદીના આગમન બાદ તેમને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા પરેડનું પ્રતિનિધિત્વ IPS સુમન નાલા કરી રહ્યા હતા. આ ભવ્ય પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોના જવાનોએ એકતાનું પ્રદર્શન કર્યું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application