ગુજરાત એટીએસએ ગોવાથી રશ્મિન રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણથી એ.કે. સિંહ નામના શખ્સની ધરપકડ કરી છે. બંને સંવેદનશીલ વિસ્તારોની જાસૂસી કરી માહિતી પાકિસ્તાન પહોંચાડતા હોવોનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એટીએસએ બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશનમાં દમણ અને ગોવા એમ બે અલગ-અલગ સ્થળોએથી બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એટીએસ દ્વારા ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજો આરોપી એ.કે. સિંહ, જે ભારતીય આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો, તેની ધરપકડ દમણથી કરવામાં આવી છે. એ.કે. સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરવાનો ગંભીર આક્ષેપ છે. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસ હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યારસુધીમાં કેટલી અને કઈ કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસએ છેલ્લા ચાર મહિનામાં સાત લોકોને દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં ઝડપી લીધા છે, જેમાં સાત નવેમ્બર, 2025એ અમદાવાદની રેકી કરનાર ત્રણ આતંકવાદી આઝાદ શેખ, ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની અને મોહમ્મદ સુહેલ તથા ચાર મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું.